Suryakumar Yadav T20 captaincy: ટીમ ઈન્ડિયાને પોતાની કેપ્ટનશીપમાં 2026 નો T20 વર્લ્ડ કપ જીતાડનાર સૂર્યકુમાર યાદવ માટે એક મોટા અને ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે. વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ જીતાડવા છતાં, ખરાબ બેટિંગ ફોર્મના કારણે સૂર્યાની T20 કેપ્ટનશીપ જવાની અટકળો તેજ બની ગઈ છે. આગામી આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ સામેની સિરીઝ માટે નવા કેપ્ટનની શોધ શરૂ થઈ ગઈ છે, જેમાં અક્ષર પટેલ, ઈશાન કિશન અને સંજુ સેમસનનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
આગામી સિરીઝ પહેલા સૂર્યાનું સ્થાન જોખમમાં
ભારતીય T20 ટીમના વર્તમાન કેપ્ટન સૂર્યકુમાર યાદવનું પત્તું કપાઈ શકે છે. સૂર્યાએ છેલ્લે 2026 ના T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કર્યું હતું અને ટીમને શાનદાર જીત અપાવી હતી. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. 26 જૂનથી 'મેન ઇન બ્લુ' (ટીમ ઈન્ડિયા) આયર્લેન્ડના પ્રવાસે જઈ રહી છે, જ્યાં 2 T20 મેચ રમાવાની છે. આ પ્રવાસ પૂરો થયા પછી તરત જ ઈંગ્લેન્ડ સામે પણ T20 સિરીઝ રમાશે. જ્યારે આ બંને સિરીઝ માટે ટીમની પસંદગી થશે, ત્યારે સૂર્યાના નામ અને તેની કેપ્ટનશીપ પર ચોક્કસથી મોટી ચર્ચા થશે.
ખરાબ ફોર્મ બની રહ્યું છે સૌથી મોટો દુશ્મન
સૂર્યા માટે અત્યારે સૌથી મોટી મુશ્કેલી તેનું બેટિંગ ફોર્મ છે. સૂર્યા હાલમાં આઉટ ઓફ ફોર્મ ચાલી રહ્યો છે અને આ જ કારણસર તેને એશિયન ગેમ્સ માટેના સંભવિત ખેલાડીઓના લિસ્ટમાં પણ સ્થાન આપવામાં આવ્યું નહોતું. હવે સવાલ એ ઊભો થાય છે કે જો સૂર્યા નહીં, તો ટીમ ઈન્ડિયાનો નવો બોસ કોણ બનશે?
આ પણ વાંચોઃ IND vs AFG શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને ઝટકો: રોહિત-હાર્દિક રમશે કે નહીં? BCCIનું અલ્ટીમેટમ
કેપ્ટનશીપની રેસમાં કયા 3 ખેલાડીઓ છે?
મીડિયા રિપોર્ટ્સ અને સૂત્રોનું માનીએ તો, કેપ્ટન બનવાની રેસમાં કોઈ એક નહીં પણ 3 યુવા ખેલાડીઓ મેદાનમાં છે.
અક્ષર પટેલ: આ લિસ્ટમાં પહેલું નામ સ્પિન ઓલરાઉન્ડર અક્ષર પટેલનું છે, જેણે ગયા T20 વર્લ્ડ કપમાં વાઇસ-કેપ્ટન તરીકે બહુ સારી ભૂમિકા ભજવી હતી.
ઈશાન કિશન: બીજું નામ આક્રમક વિકેટકીપર-બેટ્સમેન ઈશાન કિશનનું લેવાઈ રહ્યું છે.
સંજુ સેમસન: ત્રીજું નામ સંજુ સેમસનનું સામે આવી રહ્યું છે. જોકે, સંજુના નામ પર થોડો પ્રશ્નાર્થ છે કારણ કે તેનું પ્રદર્શન સતત એકસરખું રહેતું નથી, તે ક્યારેક ચાલે છે તો ક્યારેક ફ્લોપ જાય છે.
હવે આખરી નિર્ણય ચીફ સિલેક્ટર અજિત અગરકર અને તેમની પસંદગી સમિતિએ લેવાનો છે. સૂર્યા આયર્લેન્ડ સિરીઝમાં કેપ્ટન તરીકે ચાલુ રહેશે કે પછી ભારતીય ટીમ કોઈ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે, તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે. હાલ પૂરતું, BCCI તરફથી આ મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કે માહિતી આપવામાં આવી નથી.
આ પણ વાંચોઃ ICCની મોટી કાર્યવાહી: T20 વર્લ્ડ કપ રમનાર આ દેશની ક્રિકેટ ટીમનું સભ્યપદ સસ્પેન્ડ કર્યું
