આગામી ટી20 વર્લ્ડ કપ 2021 માં ઈંગ્લેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમની પ્રથમ પ્રેક્ટિસ મેચ રદ કરવામાં આવી છે. ટીમ ઇન્ડિયાએ વર્લ્ડ કપ પહેલા બે પ્રેક્ટિસ મેચ રમવાની હતી. કોહલી અને કંપની 18 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ (ભારત વિ ઈંગ્લેન્ડ પ્રેક્ટિસ મેચ રદ) અને 20 ઓક્ટોબર ઓસ્ટ્રેલિયા સામે ટકરાવાના હતા.


ટીમ ઇન્ડિયાની પ્રેક્ટિસ મેચનું સમયપત્રક બદલવામાં આવ્યું છે. હવે ભારતીય ટીમ 18 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે અને 20 ઓક્ટોબરે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચ દુબઈમાં રમાશે.


આ સિવાય પ્રેક્ટિસ મેચોનાં સ્થળ પણ બદલવામાં આવ્યા છે. ટીમ ઇન્ડિયાની બંને પ્રેક્ટિસ મેચ દુબઇમાં આઇસીસી એકેડમી મેદાનમાં રમાશે. અગાઉ આ બંને મેચ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાવાની હતી.


આ બધું હોવા છતાં, ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમ હવે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ પાકિસ્તાન સામે 18 ઓક્ટોબરે ટોલરન્સ ઓવલ પર રમશે. બીજી પ્રેક્ટિસ મેચ 20 ઓક્ટોબરે ન્યૂઝીલેન્ડ સામે અબુ ધાબીમાં રમાશે.


ભારતીય ટીમ વિશ્વ કપ (World Cup)માં પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઇન્ડિયાનો પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં શાનદાર રેકોર્ડ છે. ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. વર્લ્ડ કપ 17 ઓક્ટોબરથી યુએઈ અને ઓમાનમાં યોજાશે. ભારત આ ટુર્નામેન્ટનું યજમાન છે.


ભારતને હવે પાકિસ્તાન સામેની મેચ પહેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા જેવી ટીમો સામે વોર્મ-અપ મેચ રમવાની તક મળશે અને આનાથી ટીમ ઈન્ડિયાને તેમની તૈયારીની કસોટી કરવાની મોટી તક મળશે. 2019 વનડે વર્લ્ડ કપ બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ થશે અને દરેક તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


પુરુષ ક્રિકેટનો મહાકુંભ ટી20 વર્લ્ડકપ 2021 આગામી 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી યુએઇ અને ઓમાનમાં આયોજિત કરવામાં આવશે, આ વર્લ્ડકપ પહેલા ભારતમાં રમાવવાનો હતો પરંતુ કોરોના મહામારીના કારણે બીસીસીઆઇએ વેન્યૂ શિફ્ટ કરીને યુએઇ અને ઓમાનમાં રમાડવાનો તખ્તો તૈયાર કર્યો હતો, જેને આઇસીસીએ માન્ય રાખીને ઇવેન્ટ પર મહોર મારી હતી. બીસીસીઆઇ સેક્રેટરી જય શાહે આ વાતની પહેલાથી જ જાણકારી આપી દીધી હતી. ખાસ વાત છે કે આ આયોજનમાં ભારતીય ક્રિકેટ બોર્ડ -બીસીસીસીઆઇ યજમાન બનેલુ જ રહેશે.