નવી દિલ્હીઃ ભારતના બેટ્સમેન સૂર્યકુમાર યાદવ હાલમાં શાનદાર ફોર્મમાં છે. ટી-20 વર્લ્ડ કપમાં શાનદાર બેટિંગ કર્યા બાદ સૂર્યકુમારે ન્યૂઝીલેન્ડ સામેની ટી-20 સિરીઝમાં પણ સારા રન ફટકાર્યા હતા. ટી-20 સીરિઝમાં તે માત્ર એક જ વાર આઉટ થયો હતો અને તેણે મહત્તમ 124 રન બનાવ્યા હતા. સૂર્યકુમારે આ શ્રેણીની બીજી T20માં અણનમ 111 રનની ઇનિંગ રમી હતી. આ ઈનિંગ પછી જ 32 વર્ષીય ભારતીય બેટ્સમેન 895 રેટિંગ પોઈન્ટ્સ પર પહોંચી ગયો, જે તેની ટી20 કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. જોકે, ત્રીજી ટી20માં સૂર્યકુમાર 13 રન બનાવીને આઉટ થયો હતો. આ કારણે તેનું રેટિંગ ઘટીને 890 પોઈન્ટ થઈ ગયું હતું. આમ છતાં તે બીજા ક્રમાંકિત પાકિસ્તાનના વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાનથી 54 રેટિંગ પોઈન્ટથી આગળ છે.
ત્રીજા સ્થાને રહેલા પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને તાજેતરની T20 રેન્કિંગમાં એક સ્થાનનું નુકસાન થયું છે. તે ત્રીજા સ્થાનેથી સરકીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. તેના સ્થાને ન્યૂઝીલેન્ડનો વિકેટકીપર બેટ્સમેન ડેવોન કોનવે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. કોન્વેના 788 રેટિંગ પોઈન્ટ છે. કોનવેએ ભારત સામેની 3 ટી20 શ્રેણીમાં સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 2 મેચમાં કુલ 84 રન બનાવ્યા.
સૂર્યકુમાર સિવાય ટોપ-10માં એક પણ ભારતીય નથી
બેટ્સમેનોની T20 રેન્કિંગમાં સૂર્યકુમાર યાદવ સિવાય એક પણ ભારતીય ટોપ-10માં સામેલ નથી. ન્યુઝીલેન્ડ સામેની ટી20 સીરીઝ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ભાગ ન બનેલા વિરાટ કોહલીને બે સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 13મા નંબરે સરકી ગયો છે. કેએલ રાહુલ 19મા અને રોહિત શર્મા 21મા ક્રમે છે. ન્યુઝીલેન્ડ સામે ટી20 સીરીઝમાં ઓપનિંગ કરનાર ઈશાન કિશનને લેટેસ્ટ રેન્કિંગમાં 10 સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 33મા સ્થાને આવી ગયો છે.
આ અઠવાડિયે બોલરો માટે T20I રેન્કિંગના ટોપ-10માં કોઈ ફેરફાર થયો નથી, જોકે ભારતના ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર 11માં સ્થાને અને ન્યુઝીલેન્ડના અનુભવી બોલર ટિમ સાઉથી 14મા સ્થાને પહોંચી ગયા છે. શ્રીલંકાનો વાનિંદુ હસરંગા T20નો નંબર-1 બોલર છે. ટોપ-10 બોલરોમાં એક પણ ભારતીય સામેલ નથી.