T20 World Cup 2021: T20 વર્લ્ડકપમાં ભારતને હરાવીને જીતથી શરૂઆત કરનારી પાકિસ્તાનની ક્રિકેટ ટીમ અત્યાર સુધીની પાંચેય મેચ જીતીને સેમિ ફાઈનલમાં પહોંચી ગઈ છે. ગઈકાલે પાકિસ્તાને સ્કોટલેન્ડને હરાવ્યું હતું. ભારતની ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે શારજાહમાં સ્કોટલેન્ડ સામે ઈતિહાસ રચ્યો હતો. તે ટી20 ક્રિકેટમાં પાકિસ્તાન તરફથી સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો બેટ્સમેન બન્યો હતો. તેણે 18 બોલમાં નોટઆઉટ 54 રન ફટકાર્યા હતા.
શોએબ મલિકની વિસ્ફોટક ઈનિંગ દરમિયાન તેની પત્ની સાનિયા મિર્ઝા પણ પુત્ર ઈઝહાન સાથે સ્ટેડિયમમાં હાજર રહી હતી. મેચ દરમિયાન સાનિયા અને ઈઝહાન શોએબનો ઉત્સાહ વધારતાં જોવા મળ્યા હતા. શોએબ જ્યારે પણ બાઉન્ડ્રી મારતો હતો ત્યારે સાનિયા તેનો ઉત્સાહ વધારતાં જોવા મળી હતી.
સાનિયા મિર્ઝાના સ્ક્રીન શોટ શેર કરીને યુઝર્સે લખ્યું, સાનિયા મિર્ઝાની ટીમ વર્લ્ડકપમાંથી બહાર ફેંકાઈ ગઈ છે પરંતુ તેમ છતાં તે પતિની બેટિંગનો આનંદ માણી રહી છે. જ્યારે અન્ય એક યુઝર્સે લખ્યું, સાનિયા મિર્ઝા ભારતની હારને ભૂલી ગઈ છે અને તે ગ્રાઉન્ડમાં પતિના સપોર્ટ માટે આવી છે.
અન્ય એક યુઝર્સે લખ્યું, સાનિયા મિર્ઝા સેમિ ફાઈનલમાં પહોંચનારી એકમાત્ર ભારતીય છે. એક યૂઝર્સે તેને લકી ચાર્મ ગણાવી લખ્યું, સાનિયા મિર્ઝા હંમેશા શોએબ માટે લકી ચાર્મ છે. તે જ્યારે પણ સમર્થન માટે આવે છે ત્યારે શોએબે દમદાર દેખાવ કર્યો છે.
શોએબ મલિકના રેકોર્ડની વાત કરવામાં આવે તો તે પાકિસ્તાન તરફથી ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો ખેલાડી બની ગયો છે. તેણે 2010માં ઓસ્ટ્રેલિયામાં 21 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. જે રેકોર્ડ તેણે તોડ્યો હતો. ટી20 વર્લ્ડકપમાં સૌથી ઝડપી અડધી સદીના રેકોર્ડની વાત કરવામાં આવે તો આ રેકોર્ડ યુવરાજ સિંહના નામે છે. યુવરાજે 2007માં ઈંગ્લેન્ડ સામે 12 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.