T20 World Cup 2021: ટી20 વર્લ્ડકપની શરૂઆત થઈ ગઈ છે. ભારત અને ન્યૂઝીલેન્ડ બંને તેમની પ્રથમ મેચ હારી ચુક્યા છે. પાકિસ્તાન બે મેચ જીતીને પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે. ભારત પાંચમા ક્રમે છે. ભારત અને ન્યૂઝીલેન્ડનો મુકાબલો 31 ઓક્ટોબરે રમાશે. બંને ટીમો આ મેચ જીતવા પૂરી તાકાત લગાવશે. મેચ જીતનારી ટીમની સેમી ફાઈનલમાં પહોંચવાની આશા પણ જીવંત રહેશે.


કોહલી પર કેમ રહેશે દબાણ ?


આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાના પૂર્વ સ્પિનર બ્રેડ હોગે કહ્યું કે, ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર મેચને લઈ વધારે દબાણ રહેશે. ભારતનો ન્યૂઝીલેન્ડ સામે રેકોર્ડ સારો નથી. તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અને 2019 વર્લ્ડકપ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ ભારતને હરાવી ચુક્યું છે. તેથી કોહલી પર દબાણ રહેશે.


ન્યૂઝીલેન્ડનો આ ઘાતક ખેલાડી થઈ શકે છે બહાર


ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગપ્ટિલને મંગળવારે પાકિસ્તાન સામે રમાયેલી મેચમાં અંગુઠામાં ઈજા થઈ હતી. જેના કારણે તે ભારત સામેની મેચ ગુમાવી શકે છે. જો આમ થશે તો બ્લેકકેપ્સ માટે મોટો ફટકો હશે.


ભારત કેવી રીતે પહોંચી શકે છે સેમી ફાઈનલમાં


ભારતનો આગામી મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે છે. આ મેચ ભારતે ગમે તે ભોગે જીતવી જ પડશે. જે બાદના મુકાબલા અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે છે. ભારત જો ન્યૂઝીલેન્ડ સામે જીતી જાય તો તેને અફઘાનિસ્તાન જ પડકાર આપી શકે છે. નામીબીયા અને સ્કોટલેંડ સામે ભારત સરળતાથી જીતી શકે તેમ છે. આમ ભારત હવે પછીની ચારેય મેચ જીતીને આઠ પોઈન્ટ સાથે સેમી ફાઈનલમાં પ્રવેશી શકે છે.


પાકિસ્તાનનું સેમી ફાઈનલમાં પહોંચવાનું નક્કી


ભારતને પ્રથમ મુકાબલામાં હરાવ્યા બાદ ટી20 વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયા સામે સૌપ્રથમ જીત મેળવી હતી. ગઈકાલે ન્યૂઝીલેન્ડને 5 વિકેટથી હરાવીને પાકિસ્તાને બીજી જીત મેળવી અને 4 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. હવે બાકીની મેચ તેણે અફઘાનિસ્તાન, નામીબીયા અને સ્કોટલેંડ સામે રમવાની છે. પાકિસ્તાન ટીમનું વર્તમાન ફોર્મ જોતાં તમામ મેચ જીતીને સેમી ફાઈનલમાં પહોંચી શકે છે.