T20 WC Points Table: T20 વર્લ્ડ કપની 36મી મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને વરસાદથી પ્રભાવિત મેચમાં 33 રને હરાવ્યું હતું. આ જીત સાથે પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2022ની સેમી ફાઇનલમાં પહોંચવાની આશા પણ જીવંત રાખી છે.
પોઈન્ટ ટેબલમાં થયો ફેરફારઃ
આ વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ બીજી જીત છે. આ પહેલા પાકિસ્તાને નેધરલેન્ડને હરાવ્યું હતું. આ સાથે જ T20 વર્લ્ડ કપના સુપર-12ના ગ્રુપ Aના પોઈન્ટ ટેબલ પર પાકિસ્તાનના 4 પોઈન્ટ છે. આ જીત સાથે પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે.
પોઈન્ટ ટેબલમાં દરેક ટીમની સ્થિતિની વાત કરીએ તો, હાલ ભારત 6 પોઈન્ટ સાથે સૌથી ટોપ પર છે. ભારતે 4માંથી ત્રણ મેચ જીતી છે. બીજા ક્રમે દક્ષિણ આફ્રિકા 5 પોઈન્ટ સાથે છે. દક્ષિણ આફ્રિકાએ 4માંથી 2 મેચ જીતી છે. ત્રીજા અને ચોથા ક્રમે 4-4 પોઈન્ટ સાથે પાકિસ્તાન અને બાંગ્લાદેશ છે. આ બંને ટીમોએ 2 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. પોઈન્ટ ટેબલમાં ઝિમ્બાબ્વે 5મા અને નેધરલેન્ડ છઠ્ઠા સ્થાને છે.
તો સેમી ફાઈનલમાં પહોંચશે પાકિસ્તાનઃ
જો હવે દક્ષિણ આફ્રિકાની ટીમ નેધરલેન્ડ સામેની મેચમાં હારી જશે તો પાકિસ્તાનની ટીમ સેમીફાઈનલમાં પ્રવેશ કરશે. આ સાથે આ ગ્રુપમાં નેટ રન રેટ પણ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. આ સિવાય જો 6 નવેમ્બરે રમાનારી ઝિમ્બાબ્વે અને ભારતની મેચમાં જો ઝિમ્બાબ્વે ભારતને હરાવશે તો અને પાકિસ્તાન બાંગ્લાદેશ સામેની નેટ રન રેટ સુધારશે તો પાકિસ્તાન સેમી ફાઈનલમાં પહોંચી જશે.
પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને હરાવ્યુંઃ
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સિડનીમાં રમાયેલી મેચમાં પાકિસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકાને 33 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરીને પાકિસ્તાને 20 ઓવરમાં 9 વિકેટે 185 રન બનાવ્યા હતા. આ પછી, દક્ષિણ આફ્રિકાની ઇનિંગ દરમિયાન વરસાદ પડ્યો અને ત્યારબાદ તેને 14 ઓવરમાં 142 રનનો ટાર્ગેટ મળ્યો. દક્ષિણ આફ્રિકાની ટીમ 108 રન જ બનાવી શકી હતી. પાકિસ્તાન તરફથી શાદાબ ખાને બોલિંગમાં બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ શાહીન આફ્રિદીને ત્રણ સફળતા મળી. આ પહેલા શાદાબે પણ બેટિંગમાં અડધી સદી ફટકારી હતી. આ જીત સાથે પાકિસ્તાને સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.