India vs Pakistan T20 World Cup 2022: ભારત અને પાકિસ્તાન વચ્ચેની દરેક ક્રિકેટ મેચ ખૂબ જ રોમાંચક હોય છે. બીજી તરફ જો આ મેચ ICC ઈવેન્ટની હોય તો રોમાંચ વધુ વધી જાય છે. ટૂંક સમયમાં જ ભારત અને પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાં આમને સામને થવા જઈ રહ્યા છે. આ મેચ માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે અને વિવિધ રીતે તેનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. હવે આ ક્રિકેટ મેચનો એક ખાસ પ્રોમો જોવા મળ્યો છે. WWE ના પ્રખ્યાત રેસલર અને હાલના દિગ્ગજ હોલીવુડ અભિનેતા ડ્વેન ધ રોક જોન્સને (The Rock) ભારત-પાકિસ્તાન મેચને લઈને એક પ્રોમો શૂટ કર્યો છે.
ભારત અને પાકિસ્તાનની મેચ વિશે ધ રોકે શું કહ્યું?
રોકની ફિલ્મ 'બ્લેક એડમ' ટૂંક સમયમાં આવી રહી છે અને આ ફિલ્મના પ્રમોશનના સંદર્ભમાં તેણે સ્ટાર સ્પોર્ટ્સ સાથે મળીને ભારત-પાકિસ્તાન મેચ માટે એક વીડિયો તૈયાર કર્યો છે. રોકે આ વીડિયોમાં કહ્યું, "જ્યારે બે સૌથી મોટી હરીફ ટીમો (Rival) ટકરાશે, ત્યારે આખું વિશ્વ થંભી જશે. તે માત્ર એક ક્રિકેટ મેચ કરતાં વધુ છે. ભારત અને પાકિસ્તાનની મેચનો સમય આવી ગયો છે."
ભારત vs પાકિસ્તાન મેચની 1 લાખ ટિકિટો વેચાઈઃ
લગભગ એક દાયકાથી ભારત અને પાકિસ્તાન માત્ર ICC અને ACC ઈવેન્ટ્સમાં જ સામ-સામે ટકરાયા છે. આ જ કારણ છે કે આ બંને ટીમોની મેચને લઈને ક્રિકેટ ફેન્સમાં ખુબ જ ઉત્સાહ હોય છે. ઓસ્ટ્રેલિયામાં 23 ઓક્ટોબરે યોજાનારી T20 વર્લ્ડ કપની મેચ માટે ચાહકોએ તૈયારીઓ કરી લીધી છે. આ મેચની એક લાખ ટિકિટો વેચાઈ છે. ગયા વર્ષે વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભારતને હરાવ્યું હતું અને વર્લ્ડ કપમાં પહેલીવાર ભારત સામે જીત મેળવી હતી. ભારતીય ટીમ આ હારનો બદલો લેવાનો પ્રયાસ કરશે.