T20 World Cup 2022 NZ vs SL: ટી-20 વર્લ્ડ કપ 2022 માં તેમની ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકા સામે મોટી જીત મેળવી છે. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 65 રનથી હરાવ્યું હતુ. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કર્યો હતો.
પ્રથમ બેટિંગ કરતા કિવી ટીમે 167 રન બનાવ્યા હતા જેના જવાબમાં શ્રીલંકાની આખી ટીમ 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ટ્રેન્ટ બોલ્ટે ચાર ઓવરમાં 13 રન આપીને 4 વિકેટ ઝડપી હતી જ્યારે ગ્લેન ફિલિપ્સે શાનદાર સદી ફટકારી હતી.
ફિલિપ્સની સદીએ કીવી ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી
પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડે માત્ર 15 રનમાં પોતાની ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ગ્લેન ફિલિપ્સ અને ડેરીલ મિશેલે ચોથી વિકેટ માટે 84 રનની ભાગીદારી નોંધાવી હતી. ફિલિપ્સે તેની બીજી T20 ઈન્ટરનેશનલ સદી 61 બોલમાં પૂરી કરી હતી. તે છેલ્લી ઓવરમાં 64 બોલમાં 104 રન બનાવીને આઉટ થયો હતો. તેણે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. શ્રીલંકા તરફથી કસુન રજિથાએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.
કિવી બોલરોનો તરખાટ
શ્રીલંકાની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી અને તેણે માત્ર 8 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. ન્યૂઝીલેન્ડ માટે ટ્રેન્ટ બોલ્ટે પાવરપ્લેમાં ખૂબ જ ઘાતક બોલિંગ કરી અને 3 વિકેટ ઝડપી હતી. બીજા છેડેથી ટીમ સાઉથીએ પણ વિકેટ ઝડપી હતી. ભાનુકા રાજપક્ષેએ પોતાની ટીમ માટે સંઘર્ષ કર્યો હતો અને 34 રન ફટકાર્યા હતા. પરંતુ તે આઉટ થતાની સાથે જ શ્રીલંકાની ટીમ 65 રનમાં આઠ વિકેટ ગુમાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કેપ્ટન દાસુન શનાકાએ 35 રનની ઇનિંગ રમીને અંત સુધી સંઘર્ષ કર્યો હતો પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો.