AUS vs BAN t20 World Cup 2024 Match Highlights: ઓસ્ટ્રેલિયાએ ટી-20 વર્લ્ડ કપ 2024ની 44મી મેચમાં ડકવર્થ-લુઇસ પદ્ધતિ (DLS Method) હેઠળ બાંગ્લાદેશને 28 રનથી હરાવ્યું હતું. સુપર-8 તબક્કામાં બંને ટીમોની આ પ્રથમ મેચ હતી. વરસાદના કારણે મેચ અનેકવાર રોકવી પડી હતી જેના કારણે મેચનું પરિણામ DLS હેઠળ નક્કી કરાયું હતું. આ મેચમાં ઝડપી બોલર પેટ કમિન્સે ઓસ્ટ્રેલિયા માટે હેટ્રિક લીધી હતી.  ટી-20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર બ્રેટ લી પછી તે બીજો ઓસ્ટ્રેલિયન બોલર બન્યો હતો.


મેચમાં પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશે 20 ઓવરમાં 8 વિકેટે 140 રન બનાવ્યા હતા. કેપ્ટન શાંતોએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી હતી. તેણે 36 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 41 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ઇનિંગ દરમિયાન બે વખત વરસાદ જોવા મળ્યો હતો. પ્રથમ 7મી ઓવર દરમિયાન વરસાદે વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ મેચ થોડા સમય પછી શરૂ થઈ હતી. આ સમય સુધીમાં ઓસ્ટ્રેલિયાએ 6.2 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 64 રન બનાવી લીધા હતા.


ત્યારપછી 12મી ઓવર દરમિયાન બીજો વરસાદ આવ્યો હતો. આ સમય દરમિયાન ડેવિડ વોર્નર 35 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 53 રન બનાવીને ટીમ માટે ક્રિઝ પર હાજર હતો અને ગ્લેન મેક્સવેલ 6 બોલમાં અણનમ 14 રનની મદદથી ક્રિઝ પર હાજર હતો. આ વખતે વરસાદ રોકાયો ન હતો અને મેચ ફરીથી રમાઇ શકે તેમ ના હોવાથી ઓસ્ટ્રેલિયાએ DLS હેઠળ 28 રનથી જીત મેળવી હતી.                         


બાંગ્લાદેશની બોલિંગ નબળી દેખાતી હતી


ટાર્ગેટનો પીછો કરવા આવેલા ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની બોલિંગ એકદમ લાચાર દેખાઈ રહી હતી. 141 રનનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનો સરળતાથી રન બનાવી રહ્યા હતા. જોકે, બાંગ્લાદેશના સ્પિનર ​​રિશદ હુસૈને કાંગારૂ બેટ્સમેનોને પરેશાન કર્યા હતા અને 2 વિકેટ ઝડપી હતી. રિશદે ટ્રેવિસ હેડ અને કેપ્ટન મિશેલ માર્શને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. હેડે 21 બોલમાં 3 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 31 રન બનાવ્યા હતા, જ્યારે કેપ્ટન માર્શ 6 બોલ રમીને માત્ર 01 રન જ બનાવી શક્યો હતો. રિશદ સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશી બેટ્સમેન વિકેટ લેવામાં સફળ રહ્યો ન હતો.