T20 World Cup 2021: આજે ભારત અને નામિબિયા વચ્ચે આઇસીસી ટી20 વર્લ્ડકપની મેચ રમાશે. આજની મેચ ભારતીય ટીમ માટે ખાસ મહત્વની નથી પરંતુ માત્ર ઔપચારિક રહી ગઇછે. ગઇકાલે રમાયેલી અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચમાં ન્યૂઝીલેન્ડને જીત મળતાની સાથે જ ભારતીય ટીમ ટી20 વર્લ્ડકપની સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ ગયુ છે. ગ્રુપ-2માંથી ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન સેમિ ફાઇનલમાં પહોંચ્યા છે. જ્યારે ગ્રુપ 1માંથી ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સેમિ ફાઇનલમાં પ્રવેશ્યા છે.
હાલમાં પૉઇન્ટ ટેબલ પર નજર કરીએ તો ભારતીય ટીમ 4 મેચમાંથી બે જીત સાથે 4 પૉઇન્ટ ધરાવે છે, જ્યારે નામિબિયા 4 મેચમાં એક જીત સાથે માત્ર 2 પૉઇન્ટ જ મેળવી શક્યુ છે, આથી આજની મેચ બન્ને ટીમો માટે માત્ર ઔપચારિક જ છે. આજે સાંજે 7.30 વાગે દુબઇના સ્ટેડિયમમાં ભારત અને નામિબયા વચ્ચે મેચ રમાશે. વિરાટ કોહલીની આગેવાની વાળી ટીમ ઇન્ડિયા ટૂર્નામેન્ટમાં શરૂઆતની બન્ને મેચો પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે હારી જતાં સમિ ફાઇનલની રેસમાંથી લગભગ બહાર થઇ ગયુ હતું. જોકે બાદમાં અફઘાનિસ્તાન અને સ્કૉટલેન્ડ સામે સારી રમત રમીને નેટ રનરેટ સારી કરી હતી, પરંતુ હવે આ પ્રયાસ પણ નકામો સાબિત થયો છે.
સેમિ ફાઈનલમાં કઈ ટીમની કોની સામે ટક્કર
- 10 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 1- ઈંગ્લેન્ડ વિ ન્યૂઝીલેન્ડ
- 11 નવેમ્બરઃ સેમિ ફાઈનલ 2 ઓસ્ટ્રેલિયા વિ પાકિસ્તાન
- બે સુપર ટીમો 14મી નવેમ્બરે 2021ના દિવસે સાંજે 7.30 વાગે આઇસીસી ટી20 વર્લ્ડકપ પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે અને ત્યારબાદ એક નવું ટી20 ચેમ્પિયન મળશે.
સેમિ ફાઈનલમાં પહોંચનારી ટીમોની કેવી રહી સફર
- પાકિસ્તાન – 5 મેચ, 5 જીત
- ઓસ્ટ્રેલિયા – 5 મેચ, 4 જીત, 1 હાર
- ઈંગ્લેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર
- ન્યૂઝીલેન્ડ – 5 મેચ, 4 જીત, 1 હાર