Indian Cricket Team Split Captaincy: ભારતીય ક્રિકેટ ટીમમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળશે. ગયા શુક્રવારે જ સમગ્ર પસંદગીકારો સમિતિને હટાવી દેવામાં આવી હતી અને હવે નવા પસંદગીકારો માટે અરજીઓ મંગાવવામાં આવી છે. પસંદગી સમિતિને સંપૂર્ણ રીતે બદલવા ઉપરાંત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ કેપ્ટનશીપને લઈને મોટો ફેરફાર કરવા જઈ રહ્યું છે. ભારતીય ક્રિકેટમાં અત્યાર સુધી અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટન જોવા મળ્યા નથી પરંતુ ભવિષ્યમાં આ બદલાઈ શકે છે.


BCCI હવે અલગ-અલગ ફોર્મેટમાં અલગ-અલગ કેપ્ટનની નિમણૂક કરવા તૈયાર છે. હાલમાં માત્ર T20માં ફેરફાર જોવા મળશે જેમાં રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કાયમી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે. આ સિવાય રોહિત વનડે અને ટેસ્ટમાં ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. આવતા વર્ષે યોજાનાર ODI વર્લ્ડ કપને જોતા આ ફોર્મેટમાં કોઈ ફેરફારની અપેક્ષા નથી, પરંતુ હાર્દિકને T20 ટીમની કેપ્ટનશીપ આપવાથી ભારતીય ક્રિકેટમાં અલગ ફોર્મેટમાં એક અલગ કેપ્ટનની કલ્પના પણ સામેલ થશે.


હાર્દિકને સતત સમર્થન મળી રહ્યું છે


T20 વર્લ્ડ કપ 2022ના અંતથી જ હાર્દિકને T20 ટીમનો કેપ્ટન બનાવવાની સતત માંગ કરવામાં આવી રહી છે. હાર્દિકને રવિ શાસ્ત્રી અને સુનીલ ગાવસ્કર જેવા દિગ્ગજોનો સાથ મળી રહ્યો છે. હાલમાં, તે કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર પહોંચી ગયો છે અને ત્યાં ત્રણ મેચની T20 શ્રેણીમાં ભાગ લઈ રહ્યો છે. શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને હવે બીજી મેચ રવિવારે રમાવાની છે. આ સીરિઝની સાથે સાથે હાર્દિક સુકાનીપદમાં પોતાની ક્ષમતા સાબિત કરવાનો પ્રયાસ કરશે. જો કે આગામી ટી20 સીરીઝ પહેલા હાર્દિકને જવાબદારી મળી જશે તે લગભગ નિશ્ચિત છે.


નોંધનીય છે કે, ટી20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની નિષ્ફળતાનો આરોપ સિનિયર રાષ્ટ્રીય ટીમની પસંદગી સમિતિ પર નાખવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ચેતન શર્મા સહિત ચારેય પસંદગીકારોને બહારનો રસ્તો બતાવ્યો. જોકે BCCIનો આ નિર્ણય માત્ર T20 વર્લ્ડ કપમાં ફ્લોપ શોના આધારે લેવામાં આવ્યો નથી, પરંતુ છેલ્લા એક વર્ષમાં ટીમમાં જે રીતે બદલાવ આવ્યો છે અને નવી વિચારસરણીનો અભાવ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે.