અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ન્યૂઝીલેન્ડને 96 રનથી કારમી હાર આપીને ઐતિહાસિક ટી-20 વર્લ્ડ કપ 2026 પોતાના નામે કરી લીધો છે. સતત સારું પ્રદર્શન કરીને સુપર 8 રાઉન્ડમાં એક પણ મેચ હાર્યા વિના અજેય રહેલી આપણી ટીમે આ શાનદાર જીત મેળવી છે. આ ભવ્ય વિજય બાદ હવે દરેક ક્રિકેટ પ્રેમીના મનમાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી આપણા માનીતા ખેલાડીઓ હવે ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે ક્યારે મેદાનમાં ઉતરશે? ખરેખર, હવે દેશમાં આઈપીએલનો રોમાંચ શરૂ થવાનો છે, જેથી ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લેશે અને સીધા જૂન મહિનામાં અફઘાનિસ્તાન સામે નવી સિરીઝ રમવા માટે મેદાનમાં વાપસી કરશે.

લગભગ 1 મહિના કરતા પણ વધુ સમય સુધી ચાલેલા આ ક્રિકેટના મહાસંગ્રામમાં ભારતીય ખેલાડીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. છેલ્લી અને સૌથી નિર્ણાયક ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડ જેવી મજબૂત ટીમને 96 રનના મોટા અંતરથી ધૂળ ચટાડીને આપણે 3જી વખત આ ટ્રોફી પર કબજો જમાવ્યો છે. ક્રિકેટના ઇતિહાસમાં 3 વખત આ ખિતાબ જીતનારી આપણી ટીમ પહેલી બની ગઈ છે. આટલી લાંબી અને થકવી દેનારી ટૂર્નામેન્ટ રમ્યા પછી ખેલાડીઓને શારીરિક અને માનસિક આરામની જરૂર છે. તેથી હવે તેઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવશે અને ત્યારબાદ આગામી લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશે.

હવે તમારો સૌથી મોટો પ્રશ્ન એ હશે કે બ્લૂ જર્સીમાં આપણા ખેલાડીઓ ક્યારે જોવા મળશે? તો તમને જણાવી દઈએ કે, આવનારા 3 મહિના સુધી ટીમ ઇન્ડિયા કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમવાની નથી. તેનું મુખ્ય કારણ એ છે કે 28 માર્ચથી દેશના સૌથી મોટા અને લોકપ્રિય ક્રિકેટ તહેવાર એટલે કે આઈપીએલ 2026 ની નવી સીઝનનો ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 2 મહિના સુધી ચાલશે. જેમાં ખેલાડીઓ પોતપોતાની ફ્રેન્ચાઈઝી ટીમ માટે રમતા જોવા મળશે. એકવાર આઈપીએલ સમાપ્ત થઈ જાય, ત્યારબાદ જ ખેલાડીઓ ફરી એકસાથે રાષ્ટ્રીય ટીમમાં જોડાશે.

Continues below advertisement
Continues below advertisement

આઈપીએલની મોસમ પૂરી થયા પછી જૂન મહિનામાં ટીમ ઇન્ડિયા ફરીથી આંતરરાષ્ટ્રીય પીચ પર ધમાલ મચાવવા માટે તૈયાર હશે. અફઘાનિસ્તાનની ક્રિકેટ ટીમ ભારતના પ્રવાસે આવવાની છે. આ રોમાંચક પ્રવાસની શરૂઆત 6 જૂનના રોજ રમાનારી એકમાત્ર ટેસ્ટ મેચથી થશે. આનો અર્થ એ થયો કે વર્લ્ડ કપની ફાઇનલ રમ્યા બાદ આપણા ખેલાડીઓ પૂરા 3 મહિના પછી રાષ્ટ્રીય ટીમ માટે મેદાન પર ઉતરશે. ટેસ્ટ મેચની સમાપ્તિ બાદ બંને દેશો વચ્ચે 3 મેચની વન-ડે સિરીઝ પણ રમાવાની છે, જેનો રોમાંચ અલગ જ હશે.

અફઘાનિસ્તાન સામેની વન-ડે સિરીઝની 1લી મેચ 14 જૂને ધર્મશાલાના સુંદર મેદાનમાં રમાશે. ત્યારબાદ 2જી મેચ 17 જૂને લખનૌના સ્ટેડિયમમાં અને 3જી તથા અંતિમ મેચ 20 જૂને ચેન્નાઈ ખાતે રમાશે. આ સિરીઝ પૂરી થયા પછી ભારતીય ટીમ તરત જ ઇંગ્લેન્ડ જવા રવાના થશે. 1 જુલાઈથી શરૂ થનારા ઇંગ્લેન્ડ પ્રવાસમાં બંને દેશો વચ્ચે 5 ટી-20 અને 3 વન-ડે મેચોની સિરીઝ રમાશે. ટીમ ઇન્ડિયાનો આ લાંબો પ્રવાસ 19 જુલાઈના રોજ પૂરો થશે.

અફઘાનિસ્તાનનો ભારત પ્રવાસ: સંપૂર્ણ કાર્યક્રમ

  • 6 થી 10 જૂન 2026: એકમાત્ર ટેસ્ટ મેચ, મુલ્લાનપુર
  • 14 જૂન 2026: 1લી વન-ડે મેચ, ધર્મશાલા
  • 17 જૂન 2026: 2જી વન-ડે મેચ, લખનૌ
  • 20 જૂન 2026: 3જી વન-ડે મેચ, ચેન્નાઈ