અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર અને મૂળ અમદાવાદના ખેલાડી પાર્થિવ પટેલના પિતાનું નિધન થયું છે. પાર્થિવ પટેલે ટ્વીટ કરી આ અંગે જાણકારી આપી છે. પૂર્વ ભારતીય ક્રિકેટરે ટવીટ કરીને જાણકારી આપી  કે, 'મારા પિતા અજયભાઈ બિપિનચંદ્ર પટેલનું 26 સપ્ટેમ્બર નિધન થયું છે.'






પાર્થિવ પટેલે માત્ર 17 વર્ષની વયે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. પાર્થિવ પટેલ ભારત તરફથી 25 ટેસ્ટ, 38 વનડે અને ટી 20માં પ્રતિનિધિત્વ કર્યુ છે.   પાર્થિવ ગુજરાત તરફથી 194 ફર્સ્ટ ક્લાસ મેચોમાં રમ્યા હતા. પાર્થિવ પટેલને 2002માં ભારતીય ટીમમાં રમવાનો મોકો મળ્યો ત્યારે  તેણે ટેસ્ટમાં સૌથી યુવા વિકેટકીપર બનીને રેકોર્ડ બનાવ્યો હતો. પાર્થિવ જ્યારે ભારતીય ટીમમાંથી પહેલી વાર રમ્યો ત્યારે ફક્ત 17 વર્ષ અને 153 દિવસની ઉમંર હતી.  એ વખતે તેમને ભારતીય ક્રિકેટના ‘વન્ડર બોય’ ગણાવાતા હતા.

પાર્થિવની કારકિર્દીની શરૂઆત સારી રીતે થઈ હતી, પરંતુ સિંહ ધોનીના આગમન પછી 2004માં તેમની કારકિર્દીનાં વળતાં પાણી શરૂ થયાં. ધોનીના સારા દેખાવના પગલે પાર્થિવને ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો હતો. એ પછી પાર્થિવને તક મળી પણ તે ભારતીય ટીમમાં જામી નહોતા શક્યા.

પાર્થિવ પટેલે 8 ઓગસ્ટ, 2002ના રોજ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ, 4 જાન્યુઆ 2002ના રોજ ન્યૂઝીલેન્ડ સામે વન ડે ડેબ્યૂ અને 4 જૂન, 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે ટી-20 ડેબ્યૂ કર્યુ હતું. જાન્યુઆરી 2018મા તે સાઉથ આફ્રિકા સામે અંતિમ ટેસ્ટ અને ફેબ્રુઆરી 2012માં ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. પાર્થિવે 25 ટેસ્ટની 38 ઈનિંગમાં 8 વખત નોટ આઉટ રહીને 934 રન બનાવ્યા છે. જેમાં તેણે 6 અડધી સદી ફટકારી છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 71 રન  છે. 38 વન ડેની 34 ઈનિંગમાં તેણે 4 અડધી સાથે 736 રન ફટાકાર્યા છે. વન ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 95 રન છે. જ્યારે 2 ટી20માં 112.5ના સ્ટ્રાઇક રેટથી 36 રન બનાવ્યા છે. આઈપીએલની 139 મેચમાં તેણે 120.8ના સ્ટ્રાઇક રેટથી 2848 રન બનાવ્યા છે. આઈપીએલમાં પાર્થિવે 13 અડધી સદી મારી છે અને શ્રેષ્ઠ સ્કોર 81 રન છે.