ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઇન્ડિયાની નવી જર્સી લોન્ચ કરવામાં આવી છે. ચાહકો લાંબા સમયથી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે ભારતની જર્સી રિલીઝ થવાની આશા રાખી રહ્યા હતા. ICC T20 વર્લ્ડ કપ 2024 માટે Adidas દ્વારા ડિઝાઇન કરાયેલ ભારતની નવી જર્સીમાં નિયમિત ટી-20 કિટમાંથી નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં નારંગી અને વાદળી રંગનો નોંધપાત્ર ભાગ છે. ધર્મશાલાના મનોહર HPCA સ્ટેડિયમમાં ભારતની જર્સી લૉન્ચ વીડિયોમાં કેપ્ટન રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ જોવા મળે છે.






ભારતીય ટીમની જર્સી વૈશ્વિક સ્પોર્ટ્સ ક્લોથિંગ બ્રાન્ડ એડિડાસ દ્વારા બનાવવામાં આવે છે. હવે 'Adidas India'એ ઈન્સ્ટાગ્રામ પર ગ્રાફિક્સ દ્વારા ભારતીય ટીમની જર્સીને સત્તાવાર રીતે લોન્ચ કરી છે. નવી જર્સીની સ્ટાઈલને લોકો જોરદાર રીતે ટ્રોલ કરી રહ્યા છે.


ટીમ ઈન્ડિયાની જર્સીની ડિઝાઈન


T20 વર્લ્ડ કપ 2024 માટે જર્સીના આગળના ભાગને વાદળી રાખવામાં આવ્યો છે.  હાથ પર ટી-શર્ટનો કલર નારંગી રંગ રાખવામાં આવ્યો છે અને ખભા પર 3 સફેદ પટ્ટાઓ મૂકવામાં આવ્યા છે. ડ્રીમ 11 લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમનું ટાઈટલ સ્પોન્સર છે, તેથી જર્સીના આગળના ભાગમાં મોટા અક્ષરોમાં 'ડ્રીમ 11' લખવામાં આવ્યું છે અને તેની નીચે INDIA લખાયું છે.


લોકોએ નવી ડિઝાઇનને જોરદાર ટ્રોલ કરી


નવી જર્સીનો વીડિયો સામે આવતાની સાથે જ લોકોએ કોમેન્ટ સેક્શનમાં નવી ડિઝાઈનને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. કેટલાક તેને બકવાસ ગણાવી રહ્યા છે જ્યારે કેટલાક કહે છે કે ગયા વર્લ્ડ કપની જર્સી વધુ સારી દેખાતી હતી. એક પ્રશંસકે એમ પણ કહ્યું કે એડિડાસે ભારતીય ટીમની ટ્રેનિંગ અને મેચની જર્સીને જોડીને નવી ડિઝાઈન બનાવી છે અને તેમાં કંઈ નવું નથી. જો કે કેટલાક લોકોએ તેને સારી ગણાવી છે, પરંતુ મોટાભાગના લોકો તેને ખૂબ જ ખરાબ ડિઝાઇન કહી રહ્યા છે.  ટી20 વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચ 5 જૂને આયરલેન્ડ સામે રમશે.