Jasprit Bumrah replacement Sri Lanka Test: શ્રીલંકા પ્રવાસ પહેલા જ ભારતીય ક્રિકેટ ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ડાબા ઘૂંટણની ઈજાના કારણે શ્રીલંકા સામેની આગામી 2 મેચની ટેસ્ટ સિરીઝમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો છે. બુમરાહની ગેરહાજરીમાં હવે ટીમ ઈન્ડિયાના નવા 'સ્પીડ સ્ટાર' બનવા માટે સ્થાનિક ક્રિકેટમાં ધૂમ મચાવનારા 4 યુવા બોલરો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. BCCI અને પસંદગીકારો ટૂંક સમયમાં જ બુમરાહના રિપ્લેસમેન્ટ તરીકે આકિબ નબી, અર્શદીપ સિંહ, અંશુલ કંબોજ અથવા યશ ઠાકુરમાંથી કોઈ એકના નામ પર મહોર લગાવી શકે છે.
તમને જણાવી દઈએ કે, ઈંગ્લેન્ડ સામે રમાયેલી વનડે સિરીઝ દરમિયાન જસપ્રીત બુમરાહ ઈજાગ્રસ્ત થયો હતો. અગાઉ એવા અહેવાલો વહેતા થયા હતા કે બુમરાહે પોતાનો ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે અને તે શ્રીલંકા સામે ભારતીય પેસ એટેકનું નેતૃત્વ કરતો જોવા મળશે. પરંતુ, તાજેતરના રિપોર્ટ્સ અનુસાર બેંગલુરુ સ્થિત BCCI ના 'સેન્ટર ઓફ એક્સેલન્સ'માં થયેલા ચેકઅપ બાદ જાણવા મળ્યું છે કે તેને હજુ પણ ડાબા ઘૂંટણમાં દુખાવો અને અસ્વસ્થતા છે.
આગળ ક્રિકેટની લાંબી સીઝન આવવાની છે, તેથી ભારતીય ટીમ મેનેજમેન્ટ પોતાના આ સૌથી મોટા મેચ-વિનર સાથે કોઈ જ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. બુમરાહને સંપૂર્ણપણે ફિટ કરવો તે જ ટીમની પહેલી પ્રાથમિકતા છે. બુમરાહના સ્થાને કયા ખેલાડીને તક મળશે તેની સત્તાવાર જાહેરાત હજુ બાકી છે, પરંતુ આ 4 ફાસ્ટ બોલરો રેસમાં સૌથી આગળ છે:
આકિબ નબીને મળી શકે છે મોટી તક
જમ્મુ-કાશ્મીરનો આ ફાસ્ટ બોલર બુમરાહની જગ્યા લેવાની રેસમાં અત્યારે સૌથી મજબૂત દાવેદાર મનાય છે. 2025-26 ની રણજી ટ્રોફી સીઝનમાં આકિબનું પ્રદર્શન ખરેખર લાજવાબ રહ્યું હતું. તેણે માત્ર 10 મેચ રમીને 60 વિકેટ ઝડપી હતી અને ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તાજેતરમાં જ આકિબે 'ઈન્ડિયા A' ટીમ સાથે શ્રીલંકાનો પ્રવાસ પણ ખેડ્યો હતો, જેથી તેને ત્યાંની પિચોનો સારો એવો અનુભવ છે. આકિબ પાસે નવા બોલને બંને તરફ સ્વિંગ કરાવવાની ગજબની કળા છે, સાથે જ તે નીચલા ક્રમે આવીને ઉપયોગી બેટિંગ પણ કરી શકે છે.
આ પણ વાંચોઃ ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
અર્શદીપ સિંહ પર પણ રહેશે પસંદગીકારોની નજર
આ લિસ્ટમાં સ્ટાર બોલર અર્શદીપ સિંહનું નામ પણ ચર્ચામાં છે. હાલમાં ટીમ ઈન્ડિયાના પેસ એટેકમાં લેફ્ટ-આર્મ (ડાબોડી) ફાસ્ટ બોલરની કમી વર્તાઈ રહી છે, જે અર્શદીપ પૂરી કરી શકે છે. શ્રીલંકાની પિચો પર નવા બોલથી તેનો સ્વિંગ વિરોધી બેટ્સમેનો માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટના આંકડા પર નજર કરીએ તો, અર્શદીપે 22 મેચમાં 67 વિકેટ પોતાના નામે કરી છે, જેમાં 2 વખત તેણે 5-5 વિકેટ લેવાનું કારનામું પણ કર્યું છે.
અંશુલ કંબોજ પણ આપી રહ્યો છે જોરદાર ટક્કર
હરિયાણાનો સ્પીડસ્ટર અંશુલ કંબોજ પણ આ રેસમાં મજબૂત દાવેદારી નોંધાવી રહ્યો છે. અંશુલ અગાઉ ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરી ચૂક્યો છે. આકિબની જેમ તેણે પણ 'ઈન્ડિયા A' સાથે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો. ત્યાં તેણે ગાલે ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં લાંબા સ્પેલ નાંખીને શાનદાર બોલિંગ કરી હતી. નોંધનીય વાત એ છે કે, ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી ટેસ્ટ મેચ આ જ ગાલે મેદાન પર રમાવાની છે. ગાલેની પિચ અને ત્યાંની પરિસ્થિતિનો અંશુલનો આ તાજો અનુભવ તેને અન્ય બોલરો કરતા એક ડગલું આગળ રાખે છે.
યશ ઠાકુર મારી શકે છે સરપ્રાઈઝ એન્ટ્રી
અંતમાં, યશ ઠાકુર પર પણ પસંદગીકારોની બાજ નજર છે. તેણે પણ 'ઈન્ડિયા A' ટીમ સાથે શ્રીલંકાના પ્રવાસમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે 2 ફર્સ્ટ-ક્લાસ મેચ રમીને 5 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત, યશે હાલમાં જ ઝિમ્બાબ્વે સામે રમાયેલી T20 સિરીઝથી સિનિયર ટીમમાં પોતાનું ડેબ્યૂ કર્યું હતું. જેથી તે આ ફોર્મેટમાં પણ સરપ્રાઈઝ સિલેક્શન સાબિત થઈ શકે છે.
