India vs Sri Lanka 2026: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી બે મેચોની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમ મંગળવારે (4 ઓગસ્ટ) મુંબઈથી શ્રીલંકા જવા માટે રવાના થઈ ગઈ છે. જોકે, આ પ્રવાસની શરૂઆતમાં જ એક રસપ્રદ વળાંક જોવા મળ્યો છે. ટેસ્ટ શ્રેણી માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ભારતીય સ્ક્વોડમાંથી માત્ર 14 ખેલાડીઓ જ ટીમ સાથે રવાના થયા છે, જ્યારે એક ખેલાડી ભારતમાં જ રહી ગયો છે. એરપોર્ટ પર પણ તે ટીમ સાથે જોવા મળ્યો ન હતો, જેના કારણે ક્રિકેટ ફેન્સમાં કૌતુક સર્જાયું છે.

Continues below advertisement

શા માટે રોકાઈ ગયો આ યુવા બેટ્સમેન?

ટીમ સાથે પ્રવાસ ન કરનાર આ ખેલાડી બીજું કોઈ નહીં પણ દેશનો પ્રતિભાશાળી ડાબોડી બેટ્સમેન સાઈ સુદર્શન છે. સુદર્શન ભારતમાં કેમ રોકાઈ ગયો તે અંગે બોર્ડ તરફથી સ્પષ્ટતા સામે આવી છે. જ્યારે BCCI દ્વારા આ શ્રેણી માટે ટીમની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સાઈ સુદર્શન અને જસપ્રીત બુમરાહની આ શ્રેણીમાં ભાગીદારી સંપૂર્ણપણે તેમની ફિટનેસ પર નિર્ભર રહેશે.

Continues below advertisement

જસપ્રીત બુમરાહ ફિટનેસ ટેસ્ટ પાસ કરવામાં નિષ્ફળ રહેતા બોર્ડે તાત્કાલિક ધોરણે તેના સ્થાને આકિબ નબીનો ટીમમાં સમાવેશ કરી લીધો હતો. પરંતુ, જ્યારે બુમરાહના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી, ત્યારે પણ BCCI એ સ્પષ્ટ કર્યું હતું કે સાઈ સુદર્શનની ભાગીદારી હજુ પણ તેની ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે. હવે ભારતીય ક્રિકેટ બોર્ડ સુદર્શનની ફિટનેસ અંગે આગળ શું આખરી નિર્ણય લે છે તેના પર સૌની નજર ટકેલી છે.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

આવી રહી છે સાઈ સુદર્શનની ટેસ્ટ કારકિર્દી

સાઈ સુદર્શનના અત્યાર સુધીના ટેસ્ટ રેકોર્ડ પર નજર કરીએ તો, તેણે ભારતીય ટીમ માટે 7 મેચ રમી છે. આ મેચોની 12 ઇનિંગ્સમાં બેટિંગ કરતા તેણે 31.91 ની સરેરાશથી કુલ 383 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેના નામે 3 અડધી સદી નોંધાયેલી છે, જેમાં 87 રન તેનો સર્વોચ્ચ સ્કોર રહ્યો છે.

શ્રીલંકા પ્રવાસ માટે ભારતની સંપૂર્ણ સ્ક્વોડ

શુભમન ગિલ (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, ઋષભ પંત (વિકેટકીપર), સાઈ સુદર્શન (ફિટનેસ ટેસ્ટને આધીન)*, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, અર્શદીપ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, આકીબ નબી.

આ પણ વાંચોઃ મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ

ભારત અને શ્રીલંકા ટેસ્ટ સિરીઝનું સંપૂર્ણ શેડ્યૂલ

આગામી 15 ઓગસ્ટથી બંને દેશો વચ્ચે શ્રેણીનો પ્રારંભ થશે, તે પહેલાં ટીમ ઈન્ડિયા પ્રેક્ટિસ મેચ રમીને પોતાની તૈયારીઓને આખરી ઓપ આપશે:

3-દિવસીય પ્રેક્ટિસ મેચ: 7 ઓગસ્ટથી (ભારત વિરુદ્ધ શ્રીલંકા XI)

પ્રથમ ટેસ્ટ મેચ: 15 થી 19 ઓગસ્ટ (ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, ગાલે)

બીજી ટેસ્ટ મેચ: 23 થી 27 ઓગસ્ટ (સિંહાલી સ્પોર્ટ્સ ક્લબ, કોલંબો)