નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે. દક્ષિણ આફ્રિકાનો તોફાની બેટ્સમેન એબી ડિવિલિયર્સે આઇપીએલમાં વધુ એક ઉપલબ્ધિ હાંસલ કરતાં, હવે તે 100 કરોડના ક્લબમાં સામેલ થયો છે. એમએસ ધોની, વિરાટ કોહલી, સુરેશ રૈના અને રોહિત શર્મા જેવા દિગ્ગજો સાથે હવે તે 100 કરોડની કમાણી કરનારો ખેલાડી બની ગયો છે. એટલુ જ નહીં એબીડી આઇપીએલમાં 100 કરોડની કરનારો પહેલો વિદેશી ખેલાડી પણ બની ગયો છે.


ખાસ વાત છે કે, એબી ડિવિલિયર્સને આરસીબીએ આ વર્ષે પણ રિટેન કર્યો છે. ડિવિલિયર્સને હાલમાં એક સીઝન માટે 11 કરોડની રકમ મળે છે. અત્યાર સુધી તેણે આ મોંઘી ક્રિકેટ લીગમાંથી 102.5 કરોડની કમાણી કરી લીધી છે. ડિવિલિયર્સને વર્તમાન સમયમાં ટી-20 ક્રિકેટનો સૌથી શાનદાર ક્રિકેટર માનવામાં આવે છે. આઈપીએલ 2020માં તેણે 454 રન બનાવ્યા હતા. તે દરમિયાન તેની સ્ટ્રાઈક રેટ 158.74 હતી. એબી ડિવિલિયર્સની આઇપીએલ કેરિયરની વાત કરીએ તો તેને સૌથી પહેલા દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાંથી 2008માં શરૂઆત કરી હતી, બાદમાં 2011માં રૉયલ ચેલેન્જર્સ બેગ્લૉરની ટીમમાંથી સામેલ થયો હતો. જોકે હજુ સુધી તે આરસીબી સાથે જ રમી રહ્યો છે.

આ ખેલાડીઓ આઇપીએલમાં 100 કરોડની નજીક છે.....

સુનિલ નારેન
વેસ્ટ ઇન્ડિઝનો સ્ટાર ઓલરાઉન્ડર સુનિલ નારેન પણ આઇપીએલમાં બહુ જલ્દી વિદેશી ખેલાડી તરીકે 100 કરોડની કમાણી પુરી કરી શકે છે. સુનિલ નારેન આઇપીએલમાં કોલકત્તા નાઇટરાઇડર્સ તરફથી રમી રહ્યો છે, અને તેની કુલ કમાણી અત્યારે 83 કરોડ સુધી પહોંચી ચૂકી છે.

શેન વૉટસન
વિદેશની ખેલાડીની કમાણીના લિસ્ટમાં પૂર્વ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર શેન વૉટસનનું નામ પણ સામેલ છે. ચેન્નાઇ સુપર કિંગ્સમાં સામેલ શેવ વૉટસને ગત વર્ષે જ સન્યાસ લઇ લીધો છે. શેન વૉટસન આઇપીએલમાં 77 કરોડ રૂપિયા કમાઇ ચૂક્યો છે.