Ravi Ashwin: ભારતીય ક્રિકેટર રવિચંદ્રન અશ્વિને થોડા અઠવાડિયા પહેલા રમાયેલી ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીમાં ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. અશ્વિન ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં 500 વિકેટ પૂરી કરનાર માત્ર નવમો ખેલાડી બન્યો છે. ટેસ્ટ મેચમાં 500 વિકેટનો આંકડો પાર કરનાર તે માત્ર બીજો ભારતીય બોલર છે. તેણે ઈંગ્લેન્ડ સામેની શ્રેણીમાં 5 મેચમાં 26 વિકેટ લીધી હતી. હવે તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને આ યાદગાર અને ઐતિહાસિક સિદ્ધિ બદલ અશ્વિનનું સન્માન કર્યું છે.


 






રવિચંદ્રન અશ્વિન બન્યો માલામાલ


રવિચંદ્રન અશ્વિનને 1 કરોડ રૂપિયાનો ચેક આપવા ઉપરાંત તમિલનાડુ ક્રિકેટ એસોસિએશને રવિચંદ્રન અશ્વિનને ટેસ્ટ ક્રિકેટમાં 100 મેચ રમવાની અને 500 વિકેટ લેવાની સિદ્ધિ માટે ઘણી ભેટ પણ આપી છે. અશ્વિનને 500 વિકેટ પૂરી કરવા બદલ 500 સોનાના સિક્કા, ચાંદીની ટ્રોફી, સ્પેશિયલ બ્લેઝર (કોટ) અને 1 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે. આ સન્માન સમારોહ દરમિયાન રવિ અશ્વિનની પત્ની અને બાળકો પણ તેમની સાથે સ્ટેજ પર હાજર હતા.


 






તે જ ફંક્શનમાં અશ્વિને એમએસ ધોનીનો દિલથી આભાર માન્યો અને તેમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું, હું એમએસ ધોનીનો દિલથી આભાર માનવા માંગુ છું. તેણે મારા માટે જે પણ કર્યું છે તેના માટે હું હંમેશા તેનો આભારી રહીશ. તેમણે મને નવા બોલથી ક્રિસ ગેલ સામે બોલિંગ કરવાની તક આપી.


 






રવિ અશ્વિનની ટેસ્ટ કારકિર્દી


અશ્વિનની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત 6 નવેમ્બર 2011ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચથી થઈ હતી અને થોડા દિવસો પછી તેણે લગ્ન કરી લીધા હતા. લગ્ન પછી, તે લેડી લકનું પરિણામ છે કે અશ્વિન ઇતિહાસમાં સૌથી સફળ ટેસ્ટ બોલર તરીકે ઉભરી આવ્યો. તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં અત્યાર સુધી 100 મેચ રમી છે, જેમાં તેના નામે 516 વિકેટ છે. આ સિવાય તેણે 116 ODI મેચમાં 156 વિકેટ અને 65 T20 મેચમાં 72 વિકેટ પણ લીધી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં અશ્વિને ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં શાનદર પ્રદર્શન કર્યું હતું.