GT vs MI: ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનનો 31મો લીગ મુકાબલો ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સની ટીમ વચ્ચે રમાશે. આ મુકાબલા પર સૌની નજર રહેવાની છે કારણ કે બંને ટીમો માટે આ મેચ આગળની સફરને ધ્યાનમાં રાખતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. જીટી (GT) અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જ્યાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સનો દબદબો જોવા મળ્યો છે. અત્યાર સુધી બંને ટીમોની સફર આ સીઝનમાં બહુ શાનદાર રહી નથી, જેમાં મુંબઈ ઇન્ડિયન્સની સ્થિતિ વધુ ગંભીર જોવા મળે છે, જેમણે 5 મેચ રમ્યા બાદ માત્ર એક જ મુકાબલો જીત્યો છે અને તેઓ અત્યારે પોઈન્ટ્સ ટેબલમાં સૌથી અંતિમ સ્થાને છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સે પણ 5 મેચ રમી છે અને તેમાંથી તેઓ 3 મેચ જીતવામાં સફળ રહ્યા છે.
મુંબઈ ઇન્ડિયન્સ પર ગુજરાત ટાઇટન્સનું પલળું ભારે
આઈપીએલની અત્યાર સુધી એક વખત ટ્રોફી જીતનારી ગુજરાત ટાઇટન્સ ટીમનો મુંબઈ ઇન્ડિયન્સ સામે આઈપીએલમાં રેકોર્ડ વધુ સારો જોવા મળ્યો છે. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 8 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાત ટાઇટન્સની ટીમ જ્યાં 5 મેચ જીતવામાં સફળ રહી છે, તો મુંબઈ ઇન્ડિયન્સની ટીમ માત્ર 3 મેચમાં જ જીત મેળવી શકી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચેનો રેકોર્ડ જોવામાં આવે તો, અહીં ગુજરાત અને મુંબઈ વચ્ચે કુલ 4 મેચ રમાઈ છે અને તે તમામ ગુજરાતની ટીમ જીતવામાં સફળ રહી છે. આ રેકોર્ડ જોયા પછી મુંબઈ ઇન્ડિયન્સ માટે આ મુકાબલો જરાય સરળ લાગી રહ્યો નથી. ગત સીઝનમાં બંને ટીમો વચ્ચે કુલ 3 મુકાબલા રમાયા હતા, જેમાં ગુજરાત ટાઇટન્સે 2 મેચ જીત્યા હતા, જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ માત્ર 1 મેચ જ જીતી શકી હતી.
રોહિત શર્મા અને શુભમન ગિલ પર રહેશે સૌની નજર
આ મુકાબલામાં જે બે ખેલાડીઓ પર સૌની નજર રહેવાની છે તે રોહિત શર્મા અને શુભમન ગિલ છે. છેલ્લી મેચમાં અનફિટ હોવાને કારણે પ્લેઈંગ 11 માંથી બહાર રહેલા રોહિત શર્માએ આ મેચ પહેલા નેટ્સ પર બેટિંગ પ્રેક્ટિસ કરી છે, જેના પરથી અનુમાન લગાવી શકાય છે કે તે આ મેચમાં રમતો જોવા મળી શકે છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સ ટીમના કેપ્ટન શુભમન ગિલ જે પાછલી કેટલીક મેચોમાં બેટથી શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો છે, તેમના પ્રદર્શન પર પણ આ મેચમાં સૌની નજર રહેશે.
