india vs pakistan t20 matches : એશિયા કપ 2025 નો ઉત્સાહ શરૂ થઈ ગયો છે, જેમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ મેચમાં UAEને 9 વિકેટથી હરાવ્યું હતું. હવે ભારતીય ટીમનો આગામી મુકાબલો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સાથે થવાનો છે. એશિયા કપ T20 ફોર્મેટમાં રમાઈ રહ્યો છે અને ટીમ ઈન્ડિયાએ પોતાની પહેલી મેચમાં બતાવી દીધું છે કે તે કયા સ્તરનું ક્રિકેટ રમવા જઈ રહી છે. આ હાઈ-વોલ્ટેજ મેચ શરૂ થાય તે પહેલાં અહીં જાણો ભારત-પાકિસ્તાન T20 મેચોમાં સૌથી વધુ રન બનાવનારા કોણ છે
T20 ક્રિકેટ ઇતિહાસમાં અત્યાર સુધી ભારત અને પાકિસ્તાન 13 વખત આમને-સામને આવ્યા છે, જેમાંથી ભારતીય ટીમ 10 વખત જીતી છે અને પાકિસ્તાન ફક્ત 3 વખત જીતી શક્યું છે. સપ્ટેમ્બર 2022 પછી પાકિસ્તાન ક્યારેય કોઈ પણ T20 મેચમાં ભારતને હરાવી શક્યું નથી.
ભારત-પાકિસ્તાન T20 મેચોમાં સૌથી વધુ રન બનાવનાર
ભારત વિરુદ્ધ પાકિસ્તાન T20 મેચોમાં સૌથી વધુ રન બનાવનાર વિરાટ કોહલી છે, જેણે 11 મેચમાં 492 રન બનાવ્યા છે. ક્રિકેટના સૌથી ટૂંકા ફોર્મેટમાં, કોહલીએ પાકિસ્તાન સામે 5 અડધી સદી પણ ફટકારી છે. તેના પછી મોહમ્મદ રિઝવાનનો નંબર આવે છે. જેણે ભારત સામે 228 રન બનાવ્યા છે. શોએબ મલિક ત્રીજા સ્થાને છે, જેના નામે 164 રન છે. મોહમ્મદ હફીઝ અને યુવરાજ સિંહ ચોથા અને પાંચમા સ્થાને છે.
- વિરાટ કોહલી - 492 રન
- મોહમ્મદ રિઝવાન - 228 રન
- શોએબ મલિક - 164 રન
- મોહમ્મદ હફીઝ - 156 રન
- યુવરાજ સિંહ - 155 રન
એક ચોંકાવનારી હકીકત એ છે કે આ 5 ક્રિકેટરોમાંથી કોઈ પણ એશિયા કપ 2025માં રમી રહ્યા નથી. સક્રિય T20 ક્રિકેટરોની વાત કરીએ તો, મોહમ્મદ રિઝવાન ભારત-પાકિસ્તાન મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. સક્રિય T20 ક્રિકેટરોની યાદીમાં બાબર આઝમ બીજા સ્થાને છે, જેના નામે 105 રન છે.
T20 એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3 મેચ રમાઈ છે, જેમાં ભારતે બે વાર અને પાકિસ્તાને એક વાર જીત મેળવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રવિવાર 14 સપ્ટેમ્બરના રોજ દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ મેચને લઈ ક્રિકેટ ચાહકોમાં ખૂબ જ ભારે ઉત્સાહ છે. કોઈપણ એશિયન કે ICC ટુર્નામેન્ટમાં IND vs PAK મેચ માટે એક અલગ જ ક્રેઝ છે. જેના કારણે ટિકિટની કિંમત ખૂબ જ વધારે હોય છે. એશિયા કપ 2025 માં, ભારત-પાકિસ્તાન મેચની ટિકિટની કિંમત આસમાને પહોંચી રહી છે. આ મેચની ટિકિટની કિંમત રૂ. 3.5 લાખથી વધુ છે.