Most Fours in International Cricket: ક્રિકેટની રમત જગતમાં મોટા-મોટા દિગ્ગજ બેટ્સમેનો જોવા મળ્યા છે. સચિન તેંડુલકરથી લઈને વિવ રિચર્ડ્સ અને વિરાટ કોહલી સુધી, આ તમામે પોતાની કરિયરમાં અસંખ્ય રેકોર્ડ્સ બનાવ્યા છે. જ્યારથી T20 ક્રિકેટ આવ્યું છે, ત્યારથી યુવા બેટ્સમેનો ચોગ્ગા મારવા કરતાં છગ્ગા ફટકારવામાં વધુ વિશ્વાસ રાખે છે, પરંતુ જો સારી ટાઈમિંગ સાથે ચોગ્ગો વાગે તો તે બેટ્સમેનને આત્મસંતોષ આપે છે. અહીં જાણી લો કે ટેસ્ટ, વનડે અને T20 મળીને અત્યાર સુધી કયા ખેલાડીએ સૌથી વધુ ચોગ્ગા લગાવ્યા છે.
સચિન તેંડુલકર 4000 ને પાર
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા લગાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેમણે પોતાની ઐતિહાસિક કરિયરમાં 4076 ચોગ્ગા લગાવ્યા છે. આ લિસ્ટમાં અન્ય કોઈ બેટ્સમેન સચિનની આસપાસ પણ નથી, કારણ કે બીજા સ્થાન પર રહેલા કુમાર સંગાકારાએ 3015 ચોગ્ગા લગાવ્યા હતા. સચિન અને સંગાકારા સિવાય કોઈ પણ બેટ્સમેન ત્રણ હજાર ચોગ્ગાનો આંકડો પાર કરી શક્યો નથી.
વિરાટ કોહલી કયા નંબરે છે?
આ યાદીમાં રિકી પોન્ટિંગ ત્રીજા અને તેમના પછી વિરાટ કોહલીનો નંબર આવે છે, જેમણે અત્યાર સુધી પોતાની પૂરી કરિયરમાં 2772 ચોગ્ગા લગાવી દીધા છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 2000 થી વધુ ચોગ્ગા લગાવનારા બેટ્સમેનોમાં વિરાટ કોહલી એકમાત્ર એવા ખેલાડી છે, જેમની કરિયરની એવરેજ (સરેરાશ) 50 થી વધુ છે. નોંધનિય છે કે હવે વિરાટ કોહલી માત્ર વનડે ક્રિકેટ જ રમે છે. હાલમાં તે ઈજાને કારણે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાંથી બહાર છે. તેમ છતા તે ટૂંક સમયમાં રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડી શકે છે.
- 4076 ચોગ્ગા - સચિન તેંડુલકર (ભારત)
- 3015 ચોગ્ગા - કુમાર સંગાકારા (શ્રીલંકા)
- 2781 ચોગ્ગા - રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા)
- 2772 ચોગ્ગા - વિરાટ કોહલી (ભારત)
- 2679 ચોગ્ગા - મહેલા જયવર્ધને (શ્રીલંકા)
- 2604 ચોગ્ગા - રાહુલ દ્રવિડ (ભારત)
- 2601 ચોગ્ગા - બ્રાયન લારા (વેસ્ટઇન્ડિઝ)
પાંચ ભારતીયોએ લગાવ્યા 2000 ચોગ્ગા
અત્યાર સુધી ક્રિકેટના ઇતિહાસમાં પાંચ ભારતીય બેટ્સમેન એવા રહ્યા છે, જેમણે પોતાની કરિયરમાં 2000 કે તેથી વધુ ચોગ્ગા લગાવ્યા છે. આ 5 ખેલાડીઓ સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ અને સૌરવ ગાંગુલી છે.
- 4076 ચોગ્ગા - સચિન તેંડુલકર
- 2772 ચોગ્ગા - વિરાટ કોહલી
- 2604 ચોગ્ગા - રાહુલ દ્રવિડ
- 2408 ચોગ્ગા - વિરેન્દ્ર સેહવાગ
- 2022 ચોગ્ગા - સૌરવ ગાંગુલી
