Top 7 Biggest Successful Run Chase in IPL History: શનિવારે પંજાબ કિંગ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી મોટા રન ચેઝનો રેકોર્ડ બનાવ્યો. દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટિંગ કરતા 264 રન બનાવ્યા હતા. દિલ્હી આઈપીએલમાં પોતાનો સૌથી મોટો સ્કોર બનાવી ચૂક્યું હતું અને ક્યાંક ને ક્યાંક સૌને આશા હશે કે પંજાબને આખરે IPL 2026 માં પ્રથમ હાર મળવાની છે.
પંજાબ કિંગ્સ માટે પહેલા પ્રભસિમરન સિંઘે તબાહી મચાવી, જેમણે 26 બોલમાં 76 રન બનાવ્યા. ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે 36 બોલમાં 71 રનની તોફાની ઇનિંગ રમી પંજાબને સૌથી મોટો રન ચેઝ કરવામાં અને ઇતિહાસ રચવામાં મદદ કરી. સૌથી મોટો રન ચેઝ પંજાબના નામે છે, પરંતુ આ યાદીમાં કઈ-કઈ ટીમો આવે છે, તે અહીં જોઈ લો:
IPL માં 7 સૌથી મોટા સફળ રન ચેઝ
દિલ્હી કેપિટલ્સ સામે 265 રન બનાવીને પંજાબ કિંગ્સે પોતાનો જ રન ચેઝનો રેકોર્ડ તોડ્યો છે. હકીકતમાં 2024 સીઝનમાં પંજાબની ટીમે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 262 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. પંજાબ એકમાત્ર એવી ટીમ છે, જેણે IPL માં 250 કે તેથી વધુનો ટાર્ગેટ ચેઝ કર્યો હોય અને તેણે 2 વાર આવું કર્યું છે.
ત્રીજા સ્થાને સનરાઇઝર્સ હૈદરાબાદ છે, જેણે વર્ષ 2025 માં પંજાબ કિંગ્સ વિરુદ્ધ 247 રનનો ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. ગયા સીઝનમાં જ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટટ્સ સામે 230 નો ટાર્ગેટ ચેઝ કરીને જીત મેળવી હતી. 2008 ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સ બે વાર 220 થી વધુ રનનો ટાર્ગેટ ચેઝ કરી ચૂકી છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સનો અત્યાર સુધીનો સૌથી મોટો રન ચેઝ 224 રનનો છે, જે તેણે આ વર્ષે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે કર્યો હતો.
- 265 રન - પંજાબ કિંગ્સ (વિરુદ્ધ DC)
- 262 રન - પંજાબ કિંગ્સ (વિરુદ્ધ KKR)
- 247 રન - સનરાઇઝર્સ હૈદરાબાદ (વિરુદ્ધ PBKS)
- 230 રન - રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (વિરુદ્ધ LSG)
- 226 રન - રાજસ્થાન રોયલ્સ (વિરુદ્ધ PBKS)
- 224 રન - રાજસ્થાન રોયલ્સ (વિરુદ્ધ KKR)
- 224 રન - મુંબઈ ઈન્ડિયન્સ (વિરુદ્ધ KKR)
દિલ્હીની હારનું કારણ જાણો
આ હાર બાદ કેપ્ટન અક્ષર પટેલે પોતાની હૈયાવરાળ ઠાલવતા કહ્યું કે, "અમે વારંવાર એકની એક જ ભૂલો કરી રહ્યા છીએ. જો તમે આવી પીચ પર તમારા બોલરોને ફિલ્ડિંગથી સપોર્ટ ન કરી શકો, તો તમે હારવાને જ લાયક છો." તેમણે પોતાના બોલરો પર નિશાન સાધતા કહ્યું કે મુખ્ય બોલરોએ પણ પોતાના પ્રદર્શન પર વિચાર કરવાની જરૂર છે, ખાસ કરીને પાવરપ્લેમાં તેમણે જે રીતે રન લૂંટાવ્યા તે નિરાશાજનક હતું. અક્ષરે સ્પષ્ટ કહ્યું કે જો ટીમે ફિલ્ડિંગમાં કેટલીક મહત્વની તકોનો લાભ લીધો હોત, તો પરિણામ કંઈક અલગ હોત.
