Toss Role in IND vs NZ: આવતીકાલે એટલે કે 15 નવેમ્બર, 2023ના દિવસે આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે, આ મેચમાં ભારતની ટક્કર ન્યૂઝીલેન્ડ સામે થવાની છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપની સેમિ ફાઈનલ મેચ હવે તમામની નજર ટકેલી છે. જોકે આઈસીસી ટૂર્નામેન્ટમાં કીવી ખેલાડીઓએ ભારતીય ટીમ પર પ્રભુત્વ જમાવ્યું છે, પરંતુ છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાએ આ ભ્રમ તોડી નાખ્યો. આવી સ્થિતિમાં બંને ટીમો વચ્ચે બરાબરીનો મુકાબલો છે તેમ કહી શકાય. જે ટીમ 15મી નવેમ્બરે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરશે તે જીતશે. જોકે, ટીમોના પ્રદર્શન ઉપરાંત અહીં ટૉસ પણ એક મુખ્ય પરિબળ બનશે જે જીત અથવા હાર નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.


વાનખેડે ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિ ફાઈનલ મેચ રમાઈ રહી છે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે, એટલે કે બીજી ઇનિંગ્સ રાત્રે રમાશે. આ વર્લ્ડકપમાં વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળ્યું છે કે રાત્રે બીજી ઈનિંગ દરમિયાન બેટિંગ કરવી ખુબ મુશ્કેલ રહી છે. અહીં નવા બૉલને પ્રકાશમાં સારો સ્વિંગ મળે છે અને આ સ્વિંગ પણ લાંબા સમય સુધી અકબંધ રહે છે. આ જ કારણ છે કે આ મેદાન પર ડે-નાઈટ મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમને સારી સફળતા મળી છે.


વર્લ્ડકપ 2023માં અત્યાર સુધી અહીં ચાર મેચ રમાઈ છે. ચારેય મેચ ડે-નાઈટ રહી છે. ચારેય મેચોમાં લગભગ સમાન સ્થિતિ હતી. પ્રથમ બેટિંગ કરનારી ટીમે જોરદાર સ્કૉર બનાવ્યો છે, જ્યારે રનનો પીછો કરતી ટીમે સાધારણ સ્કૉર બનાવ્યો છે. ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ ચોક્કસપણે આમાં અપવાદ રહી છે, પરંતુ અહીં પણ ઓસ્ટ્રેલિયાએ પીછો કરતા 100 રનની અંદર 7 વિકેટ ગુમાવી દીધી હતી. પાછળથી પિચે સપોર્ટ આપવાનું બંધ કરી દીધું અને મેક્સવેલે અફઘાન બોલરોને ધોઇ નાંખ્યા હતા, બાદમાં મેચ જીતી લીધી હતી. 


પહેલા અને પછીથી બેટિંગ કરવી, બન્નેમાં જમીન-આસમાનનું અંતર 
જો આપણે વર્લ્ડકપ 2023માં વાનખેડે મેદાન પર રમાયેલી ચાર મેચોના આંકડા પર નજર કરીએ તો પ્રથમ અને બીજી બેટિંગ કરનારી ટીમોના સ્કોરમાં ઘણો તફાવત છે. આ ટૂર્નામેન્ટમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમનો સરેરાશ સ્કોર 357/6 છે, જ્યારે પાછળથી બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કૉર 188/9 છે. આ સ્કોર પરથી સમજી શકાય છે કે આ મેદાન પર રાત્રે રનનો પીછો કેટલી હદે જીવલેણ સાબિત થઈ શકે છે.


પ્રથમ પાવરપ્લેના આંકડા ચોંકાવનારા 
વાનખેડે ખાતે વર્લ્ડકપ 2023માં બેટિંગ પહેલા અને પછીના પ્રથમ પાવરપ્લે (1-10 ઓવર)ના ડેટાનું જ વિશ્લેષણ કરવામાં આવે તો તફાવત સ્પષ્ટપણે દેખાય છે. જ્યારે પ્રથમ પાવરપ્લેમાં પ્રથમ બેટિંગ કરનારી ટીમનો સરેરાશ સ્કોર 1 વિકેટના નુકસાન પર 52 રન છે, જ્યારે બીજી ઇનિંગમાં આ સ્કોર 4 વિકેટના નુકસાન પર 42 રન પર આવી ગયો છે. એટલે કે મેચની જીત કે હારનો નિર્ણય પહેલા પાવરપ્લેમાં જ થાય છે.


'ટૉસ જીતો મેચ જીતો' ફૉર્મ્યૂલા 
વાનખેડેના આ આંકડાઓ જોતા સ્પષ્ટ થાય છે કે ટોસ જીતનારી ટીમ અહીં પહેલા બેટિંગ કરવાનું પસંદ કરશે. અહીં પહેલા બેટિંગ કરીને મેચ જીતવી સરળ રહેશે. જો કે, જો રનનો પીછો કરતી ટીમ કોઈક રીતે પ્રથમ 20 ઓવર આરામથી રમશે તો બાકીની ઓવરોમાં બેટિંગ કરવી સરળ બની જશે. અહીં છેલ્લી 30 ઓવરમાં બેટિંગ કરવી બપોર કરતાં વધુ સરળ રહેશે.