vaibhav sooryavanshi : ભારતીય ક્રિકેટ ટીમના યુવા ઓપનિંગ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી જે પોતાની પહેલી ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં બેટથી સારું પ્રદર્શન કરી શક્યા ન હતા, તેમણે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની ટી20 શ્રેણીની બે મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. આ સિદ્ધિને કારણે વૈભવ સૂર્યવંશીને 15 વર્ષની ઉંમરે પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ મળ્યો હતો. હવે, વૈભવ સૂર્યવંશીએ ICC દ્વારા જાહેર કરાયેલા તાજેતરના T20 બેટિંગ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણી પછી તે 278મા ક્રમે હતો અને હવે તે 48મા ક્રમે પહોંચી ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ લગાવી મોટી છલાંગ
ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની ટી20 શ્રેણીમાં, 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીએ બે અડધી સદી અને 50.33 ની પ્રભાવશાળી સરેરાશથી કુલ 151 રન બનાવ્યા, જેના કારણે તે ICC T20 બેટિંગ રેન્કિંગમાં કુલ 536 રેટિંગ પોઈન્ટ સાથે 48મા ક્રમે પહોંચી ગયો. ઝિમ્બાબ્વે સામે અન્ય ભારતીય ખેલાડીઓના રેન્કિંગની વાત કરીએ તો કુલ 145 રન બનાવનાર ઇશાન કિશન 910 રેટિંગ પોઈન્ટ સાથે ટોચ પર યથાવત છે. દરમિયાન, ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્મા, જે લાંબા સમયથી રેન્કિંગમાં પ્રભુત્વ ધરાવે છે તેને લેટેસ્ટ રેન્કિંગમાં ઘટાડો થયો છે, 819 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને આવી ગયો છે.
તિલક વર્માએ પણ ICC T20 બેટિંગ રેન્કિંગમાં પોતાનું રેન્કિંગ સુધાર્યું
ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન તિલક વર્મા, જેમણે ઈંગ્લેન્ડ સામે T20 શ્રેણીમાં ખરાબ બેટિંગ પ્રદર્શન કર્યું હતું, તેમણે ત્રણ ઇનિંગ્સમાં 77 રન બનાવ્યા હતા અને ઝિમ્બાબ્વે સામે ત્રણ મેચની શ્રેણીમાં અડધી સદી પણ ફટકારી હતી. પરિણામે, તિલક વર્માએ પણ પોતાના રેન્કિંગમાં સુધારો કર્યો છે, 750 રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે, તેમણે ઈંગ્લેન્ડના કેપ્ટન હેરી બ્રુક અને જોસ બટલરને પાછળ છોડી દીધા છે.
માત્ર 15 વર્ષની ઉંમરે યુવા ભારતીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચ્યો. તેણે વિશ્વના કેટલાક સૌથી જૂના અને પ્રતિષ્ઠિત રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું. ઝિમ્બાબ્વે શ્રેણી દરમિયાન તે ભારત માટે અડધી સદી ફટકારનાર સૌથી યુવા ખેલાડી બન્યો હતો.
