Vaibhav Suryavanshi ICC rule: વર્ષ 2025 ભારતીય ક્રિકેટના ઉગતા સિતારા વૈભવ સૂર્યવંશી માટે અત્યંત યાદગાર અને સિદ્ધિઓથી ભરેલું રહ્યું છે. માત્ર 14 વર્ષની કુમળી વયે આ યુવા ખેલાડીએ મેદાન પર જે પરાક્રમો કર્યા છે, તેણે દિગ્ગજ ક્રિકેટરોનું પણ ધ્યાન ખેંચ્યું છે. IPLમાં ઐતિહાસિક સદી ફટકારવાથી લઈને અંડર-19 એશિયા કપમાં તોફાની ઇનિંગ્સ રમવા સુધી, વૈભવ દરેક મોરચે સફળ રહ્યો છે. જોકે, એક પછી એક રેકોર્ડ તોડવા છતાં, ક્રિકેટ ચાહકો માટે એક નિરાશાજનક સમાચાર એ છે કે આ પ્રતિભાશાળી ખેલાડી હાલમાં ભારતીય રાષ્ટ્રીય ટીમ (Team India) માટે રમી શકતો નથી. તેની આડે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) નો એક મહત્વપૂર્ણ નિયમ આવી રહ્યો છે.

Continues below advertisement

વૈભવ સૂર્યવંશીની પ્રતિભાનો સાચો પરિચય ત્યારે મળ્યો જ્યારે તેણે વિશ્વની સૌથી મોટી T20 લીગ ગણાતી IPLમાં તરખાટ મચાવ્યો હતો. ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં તેણે માત્ર 35 બોલમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો હતો, જે IPLના ઈતિહાસમાં કોઈ પણ ભારતીય બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી છે. રાજસ્થાન રોયલ્સે છેલ્લી હરાજીમાં તેને 1 કરોડ 10 લાખ રૂપિયા જેવી મોટી રકમ આપીને ટીમમાં સામેલ કર્યો હતો અને વૈભવે પોતાની પસંદગીને સાર્થક કરી બતાવી હતી. પોતાની ડેબ્યુ સીઝનમાં જ તેણે 7 મેચોમાં 200થી વધુના સ્ટ્રાઇક રેટથી 252 રન બનાવ્યા હતા, જેમાં 24 ગગનચુંબી છગ્ગાનો સમાવેશ થાય છે.

માત્ર IPL જ નહીં, પરંતુ ડોમેસ્ટિક અને જુનિયર ક્રિકેટમાં પણ વૈભવનું બેટ આગ ઓકતું રહ્યું છે. અંડર-19 એશિયા કપની પ્રથમ મેચમાં જ તેણે 171 રનની મેરેથોન ઇનિંગ રમીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. આ ઉપરાંત, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ તેણે સદી ફટકારી હતી. તેની કારકિર્દીના આંકડા પર નજર કરીએ તો, તેણે 18 T20 મેચોમાં 3 સદીની મદદથી કુલ 701 રન બનાવ્યા છે. આ સિવાય ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પણ તેણે 8 મેચોમાં 90ના સ્ટ્રાઈક રેટથી રન બનાવીને પોતાની દાવેદારી મજબૂત કરી છે. આમ છતાં, BCCI ઈચ્છે તો પણ તેને અત્યારે સિનિયર ટીમમાં સ્થાન આપી શકતું નથી.

Continues below advertisement

વૈભવને ભારતીય ટીમની જર્સી પહેરતા અટકાવનાર મુખ્ય અવરોધ ICCનો વય મર્યાદાનો નિયમ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના નિયમો અનુસાર, કોઈપણ ખેલાડીને આંતરરાષ્ટ્રીય સ્તરે (International Cricket) ડેબ્યુ કરવા માટે તેની લઘુત્તમ ઉંમર 15 વર્ષ હોવી ફરજિયાત છે. ખેલાડીઓની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વર્ષ 2020માં આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. આ નિયમ પહેલાં ઘણા ખેલાડીઓએ નાની ઉંમરે ડેબ્યુ કર્યું હતું, પરંતુ હવે વૈશ્વિક સ્તરે આ માપદંડનું પાલન કરવું અનિવાર્ય બની ગયું છે.

હાલમાં વૈભવ સૂર્યવંશીની ઉંમર 14 વર્ષ છે. રેકોર્ડ મુજબ, તે આવતા વર્ષે 27 માર્ચના રોજ 15 વર્ષનો થશે. આ ગણતરી મુજબ, તેની પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવા માટેની યોગ્યતા મેળવવામાં હજુ આશરે 100 દિવસ બાકી છે. આનો સીધો અર્થ એ છે કે આગામી ઓછામાં ઓછા 103 દિવસ સુધી વૈભવ ભારતીય રાષ્ટ્રીય ટીમનો ભાગ બની શકશે નહીં. ત્યાં સુધી તેણે ઘરેલુ ક્રિકેટ અને અંડર-19 ટુર્નામેન્ટ્સમાં જ પોતાનું પ્રદર્શન ચાલુ રાખવું પડશે.