Vaibhav Suryavanshi Orange Cap: IPL 2026 માં રાજસ્થાન રોયલ્સની સફર ભલે ફાઇનલ પહેલા જ પૂરી થઈ ગઈ હોય, પણ ટીમના 15 વર્ષના ઉભરતા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ કમાલ કરી દીધો છે. વૈભવે આખી સિઝનમાં શાનદાર બેટિંગ કરીને 776 રન બનાવ્યા અને સૌથી નાની ઉંમરે 'ઓરેન્જ કેપ' જીતવાનો નવો ઇતિહાસ રચી દીધો છે. આશ્ચર્યની વાત એ છે કે, તેણે ફાઇનલ મેચ રમ્યા વિના જ આ મોટી સિદ્ધિ પોતાના નામે કરી લીધી, કારણ કે ફાઇનલમાં તેના મુખ્ય હરીફ ખેલાડીઓ શુભમન ગિલ અને સાઈ સુદર્શન સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આ સાથે જ આ યુવા બેટ્સમેને યુનિવર્સ બોસ ક્રિસ ગેલનો વર્ષો જૂનો સિક્સરનો મોટો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે.

Continues below advertisement

કેવી રીતે ફાઇનલ રમ્યા વગર જીતી ઓરેન્જ કેપ?

ગુજરાત ટાઇટન્સના શુભમન ગિલ અને સાઈ સુદર્શન આ રેસમાં વૈભવના સૌથી નજીકના હરીફ હતા. આ બંને જ એવા બેટ્સમેન હતા જે ફાઇનલમાં મોટી ઇનિંગ રમીને વૈભવને વાસ્તવિક રીતે પાછળ છોડી શકે તેમ હતા. પરંતુ ફાઇનલ મેચમાં ગિલ માત્ર 10 રન અને સુદર્શન 12 રન બનાવીને વહેલા આઉટ થઈ જતાં, વૈભવની ઓરેન્જ કેપ પાક્કી થઈ ગઈ હતી. સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોના લિસ્ટમાં તેના પછી વિરાટ કોહલીનો નંબર આવે છે, જે વૈભવથી પૂરા 176 રન પાછળ રહ્યો હતો. નોંધનીય છે કે, જોસ બટલર (2022) પછી રાજસ્થાન રોયલ્સ તરફથી ઓરેન્જ કેપ જીતનાર વૈભવ માત્ર બીજો જ ખેલાડી બની ગયો છે.

Continues below advertisement

વૈભવના રેકોર્ડબ્રેક આંકડાઓ

વૈભવ સૂર્યવંશીની આ માત્ર બીજી જ IPL સિઝન હતી, પણ તેના આંકડા કોઈ દિગ્ગજ ખેલાડીને પણ અચંબામાં મૂકી દે તેવા છે. 15 વર્ષની નાની ઉંમરે તેણે IPL 2026 ની 16 મેચોમાં 44.70 ની શાનદાર એવરેજથી 776 રનનો ઢગલો કરી દીધો. આખી સિઝન દરમિયાન તેના બેટમાંથી 1 સદી અને 5 અડધી સદી નીકળી હતી, અને આ સમયગાળા દરમિયાન તે બે વાર સદીની એકદમ નજીક પહોંચીને સદી ચૂક્યો હતો.

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ: આજે RCB અને GT વચ્ચે મહામુકાબલો, જાણો પિચ રિપોર્ટ અને પ્લેઇંગ 11ની વિગતો

સૌથી મોટી વાત એ છે કે, આ યુવા ખેલાડીએ એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. ગેલે 2012 ની સિઝનમાં 59 છગ્ગા માર્યા હતા, જ્યારે વૈભવે આ સિઝનમાં ધમાકેદાર બેટિંગ કરીને 72 છગ્ગા ફટકારીને એક નવો જ ઇતિહાસ રચી દીધો છે.

આ પણ વાંચોઃ IPL 2026 ફાઇનલ આજે નહીં રમાય? જો આમ થયું તો 1 જૂને યોજાશે મેચ, જાણો નિયમ