ભારતીય ક્રિકેટર વિજય શંકર જેને "3D પ્લેયર" તરીકે પણ ઓળખવામાં આવે છે તેમણે 22 મેના રોજ નિવૃત્તિની જાહેરાત કરી. શંકરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જેમાં ચાહકોને તેમની નિવૃત્તિ વિશે માહિતી આપી, જેમાં સ્પષ્ટતા કરવામાં આવી કે તેઓ IPL અને સ્થાનિક ક્રિકેટને અલવિદા કહી રહ્યા છે. શંકરે 2018 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને 2019 ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમનો ભાગ હતો. શંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં પણ પોતાનું દુઃખ પણ વ્યક્ત કર્યું.
મેં નવી તકો મેળવવા માટે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો
વિજય શંકરે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં, તેમણે લખ્યું, "ક્રિકેટ મારું જીવન છે, હું 10 વર્ષનો હતો ત્યારથી રમી રહ્યો છું અને 25 વર્ષ પછી હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મને તે સ્તરે રમવાની તક મળી જેનું દરેક સ્વપ્ન જુએ છે. મેં સ્થાનિક અને IPL ક્રિકેટ બંનેમાંથી નિવૃત્તિ લેવાનો પણ નિર્ણય લીધો છે જેથી હું રમતમાં નવા અવસરોને પસંદ કરી શકું." દેશ માટે રમવું એ મારી સૌથી ખુશ ક્ષણોમાંની એક છે. તમારા બધા તરફથી મને મળેલા પ્રેમ માટે હું હંમેશા આભારી રહીશ. હું આ તકે BCCI, મારા બધા કોચ, સપોર્ટ સ્ટાફ, ફિઝિયો અને ટ્રેનર્સ તેમજ મારી ક્રિકેટ સફરમાં યોગદાન આપનારા દરેકનો આભાર માનું છું.
આવું રહ્યું વિજય શંકરનું કરિયર
જ્યારે વિજય શંકરને 2019 ODI વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની ટીમમાં પસંદ કરવામાં આવ્યા ત્યારે તત્કાલીન મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, જ્યારે વિજય શંકરને પાકિસ્તાન સામે તે વર્લ્ડ કપમાં રમવાની તક મળી ત્યારે તેણે પોતાના પહેલા જ બોલે વિકેટ લીધી. પોતાની કારકિર્દીમાં, વિજય શંકરે 12 ODI અને 9 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ 12 ODI મેચોમાં તેણે 31.85 ની સરેરાશથી 223 રન બનાવ્યા અને 4 વિકેટ લીધી. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, વિજય શંકરે 9 મેચ રમી 25.25 ની સરેરાશથી 101 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી.
IPLમાં, વિજય શંકરને ચેન્નાઈ સુપર કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ સહિત ચાર ટીમો માટે રમવાની તક મળી. વિજય શંકરે IPLમાં કુલ 78 મેચ રમી, 1233 રન બનાવ્યા અને 9 વિકેટ લીધી.
આ પણ વાંચો- IPL 2026: પ્લેઓફના છેલ્લા સ્લોટ માટે 4 ટીમો વચ્ચે જંગ, જાણો કોણ મારી શકે છે બાજી
ઘરેલુ ક્રિકેટમાં વિજય શંકર તમિલનાડુ ટીમ માટે રમ્યા અને તેમાં તેમણે કુલ 77 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 46.73 ની સરેરાશથી 4253 રન બનાવ્યા, જેમાં 13 સદી અને 23 અડધી સદીનો સમાવેશ થાય છે. વિજય શંકરે 56.60 ની સરેરાશથી 43 વિકેટ પણ લીધી.
