ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં આજે દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડની મેચ રમાઈ રહી છે અને આ મેચ વિરાટ કોહલી માટે ખૂબ જ ખાસ બની રહી છે. આ મેચમાં મેદાનમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કોહલી આજે તેની 300મી વનડે મેચ રમી રહ્યો છે અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં એક સિમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની આ મેચ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની 12મી મેચ છે. બંને ટીમોએ સેમિફાઇનલમાં પોતાનું સ્થાન પહેલેથી જ પાક્કું કરી લીધું છે અને આજે તેઓ ગ્રુપમાં ટોચ પર રહેવા માટે મેદાનમાં ઉતરી છે. મેચમાં ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે અને ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ફાસ્ટ બોલર હર્ષિત રાણાની જગ્યાએ સ્પિનર ​​વરુણ ચક્રવર્તીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વરુણ ચક્રવર્તી આજે ભારત માટે તેની પ્રથમ ICC ટૂર્નામેન્ટ ODI મેચ રમી રહ્યો છે, તેણે તાજેતરમાં જ વનડેમાં પદાર્પણ કર્યું હતું.

વરુણ ચક્રવર્તીને આજની મેચમાં પોતાની પ્રતિભા બતાવવાની અને ટીમમાં સ્થાન પાક્કું કરવાની તક મળશે. પરંતુ આ મેચ વિરાટ કોહલી માટે એક ખાસ અવસર છે. પ્લેઈંગ ઈલેવનની જાહેરાત થતા જ વિરાટ કોહલીએ ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલી આજે તેની 300મી વનડે મેચ રમી રહ્યો છે. આ સાથે, તે ODI ક્રિકેટમાં 300 મેચ રમનાર 7મો ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલાં, ફક્ત સચિન તેંડુલકર, મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, મોહમ્મદ અઝહરુદ્દીન, સૌરવ ગાંગુલી અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓએ જ ભારત માટે 300 વનડે મેચ રમી હતી. ચેમ્પિયન્સ ટ્રોફી જેવી મોટી ટૂર્નામેન્ટમાં પોતાની 300મી ODI મેચ રમવા વાળો કોહલી 5મો ભારતીય ખેલાડી છે. ધોની અને ગાંગુલી જ એવા ખેલાડીઓ છે જેમણે ચેમ્પિયન્સ ટ્રોફીની બહાર પોતાની 300મી ODI મેચ રમી હતી.

સૌથી વધુ ODI મેચ રમનાર ભારતીય ખેલાડીઓ:

ક્રમ      ખેલાડી                           મેચ

1          સચિન તેંડુલકર                463

2          મહેન્દ્ર સિંહ ધોની             350

3          રાહુલ દ્રવિડ                    344

4          મોહમ્મદ અઝહરુદ્દીન      334

5          સૌરવ ગાંગુલી                 311

6          યુવરાજ સિંહ                  304

7          વિરાટ કોહલી                  300

વિરાટ કોહલી હાલમાં એકમાત્ર એવો સક્રિય ખેલાડી છે જેણે 300 ODI મેચનો આંકડો પાર કર્યો છે. તેમના પછીના સક્રિય ખેલાડીઓ પણ તેમનાથી ઘણા પાછળ છે. ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર સક્રિય ખેલાડીઓની યાદીમાં મુશફિકુર રહીમ બીજા સ્થાને છે, જેણે બાંગ્લાદેશ માટે 274 ODI મેચ રમી છે, જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 271 મેચ સાથે ત્રીજા સ્થાને છે.

ODI ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર સક્રિય ખેલાડીઓ:

ક્રમ        ખેલાડી               દેશ                    મેચ

1          વિરાટ કોહલી        ભારત               300

2          મુશફિકુર રહીમ      બાંગ્લાદેશ        274

3          રોહિત શર્મા          ભારત               271

4          મહમુદુલ્લાહ         બાંગ્લાદેશ         239

5          રવિન્દ્ર જાડેજા        ભારત               202

વિરાટ કોહલીએ અત્યાર સુધી ભારત માટે 299 વનડે મેચોની 287 ઇનિંગ્સમાં 58.20 ની સરેરાશથી 14085 રન બનાવ્યા છે. જેમાં 51 સદી અને 73 અડધી સદી સામેલ છે. વનડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે કોહલી હાલમાં ત્રીજા સ્થાને છે, જ્યારે સચિન તેંડુલકર અને કુમાર સંગાકારા તેમનાથી આગળ છે. કોહલી કુમાર સંગાકારાના રેકોર્ડને તોડવાથી માત્ર 150 રન દૂર છે અને ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન જ તેઓ આ સિદ્ધિ મેળવી શકે છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

ભારત (પ્લેઈંગ ઈલેવન): રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી.

ન્યુઝીલેન્ડ (પ્લેઈંગ ઈલેવન): વિલ યંગ, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન, ડેરીલ મિશેલ, ટોમ લાથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમિસન, વિલિયમ ઓ'રર્કે.