IPL 2026: ઇન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલમાં જ્યારે પણ રેકોર્ડ્સની વાત થાય છે, ત્યારે વિરાટ કોહલીનું નામ સૌથી પહેલા સામે આવે છે. આઈપીએલ 2026માં ફરી એકવાર કિંગ કોહલીએ એવું સ્થાન હાંસલ કર્યું છે, જેણે તેને લીગના ઇતિહાસમાં સૌથી ખાસ ખેલાડીઓની યાદીમાં ટોચ પર પહોંચાડી દીધો છે.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાયેલી મેચમાં મેદાન પર ઉતરતાની સાથે જ વિરાટ કોહલી આઈપીએલ ઇતિહાસમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી બની ગયો છે. આ તેની આઈપીએલ કારકિર્દીની 279મી મેચ હતી. આ સાથે જ તેણે ચેન્નાઈ સુપર કિંગ્સના મહેન્દ્ર સિંહ ધોની અને મુંબઈ ઈન્ડિયન્સના રોહિત શર્માને પાછળ છોડી દીધા છે.
આઈપીએલ 2026 શરૂ થતા પહેલા સૌથી વધુ મેચ રમવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો. રોહિત શર્મા અને વિરાટ કોહલી તેમની પાછળ હતા. પરંતુ આ સિઝનમાં ઈજાઓએ બંને દિગ્ગજ ખેલાડીઓને પ્રભાવિત કર્યા. ધોની ઈજાના કારણે અત્યાર સુધી મેદાનમાં ઉતરી શક્યો નથી, જ્યારે રોહિત શર્મા પણ હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે ઘણી મેચોમાંથી બહાર રહ્યો હતો. આનો ફાયદો વિરાટ કોહલીને મળ્યો અને તેણે રેકોર્ડ પોતાના નામે કરી લીધો.
વિરાટ કોહલી નંબર-1 પર
હવે આઈપીએલમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલી 279 મેચો સાથે પ્રથમ સ્થાને છે. તેની પાછળ એમએસ ધોની અને રોહિત શર્મા 278-278 મેચો સાથે છે. આ સિવાય રવિન્દ્ર જાડેજા 265 અને દિનેશ કાર્તિક 257 મેચ રમી ચૂક્યા છે. વિરાટ કોહલી માત્ર મેચ રમવાની બાબતમાં જ નહીં, પરંતુ બેટિંગમાં પણ આઈપીએલનો સૌથી મોટો ખેલાડી માનવામાં આવે છે. આઈપીએલ 2026માં તેણે પોતાના 9000 રન પણ પૂરા કરી લીધા છે. આ સિદ્ધિ મેળવનાર તે લીગનો પ્રથમ બેટ્સમેન છે. સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં રોહિત શર્મા બીજા સ્થાને છે, પરંતુ તેના અને વિરાટના આંકડામાં મોટો તફાવત જોવા મળે છે.
કોહલીના નામે આઈપીએલની એક સિઝનમાં સૌથી વધુ 974 રન બનાવવાનો રેકોર્ડ પણ નોંધાયેલ છે. આ સિવાય સૌથી વધુ સદી અને અડધી સદી ફટકારવાનો રેકોર્ડ પણ તેના નામે છે. આ જ કારણ છે કે ચાહકો તેને આઈપીએલનો અસલી "કિંગ" કહે છે.
રસપ્રદ વાત એ છે કે આરસીબી માટે આ ટીમની 283મી મેચ હતી, પરંતુ વિરાટ કોહલીએ માત્ર 4 મેચ મિસ કરી છે. 2008માં તેણે એક મેચ રમી નહોતી, જ્યારે 2017માં ઈજાના કારણે ત્રણ મેચોમાંથી બહાર રહ્યો હતો. તેની ફિટનેસ, સાતત્ય અને ટીમ પ્રત્યેની વફાદારી તેને બાકીના ખેલાડીઓથી અલગ પાડે છે.
