IND vs SA: ચાલુ મેચમાં વિરાટ કોહલી અને કુલદીપ યાદવનો 'કપલ ડાન્સ'! વીડિયો જોઈને તમે પણ હસી પડશો, જુઓ વાયરલ મોમેન્ટ
Virat Kohli dance video: વિશાખાપટ્ટનમ વનડેમાં વિકેટની અનોખી ઉજવણી: ડી કોકની સદી છતાં કુલદીપ-પ્રસિદ્ધની ઘાતક બોલિંગે આફ્રિકાને 270 રનમાં રોક્યું.

Virat Kohli dance video: વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચમાં ક્રિકેટના રોમાંચ સાથે મનોરંજનનો પણ ડોઝ જોવા મળ્યો હતો. મેચ દરમિયાન એક એવી ક્ષણ આવી જ્યારે વિરાટ કોહલી અને કુલદીપ યાદવે મેદાન પર જ 'કપલ ડાન્સ' શરૂ કરી દીધો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો હાલ આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરતા આફ્રિકન ટીમને 270 રનમાં સમેટી લીધી હતી. આ મેચમાં કેપ્ટન કેએલ રાહુલે 20 મેચ પછી ટોસ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
વિકેટ મળતા જ કોહલી-કુલદીપ ઝૂમી ઉઠ્યા
વિરાટ કોહલી મેદાન પર હંમેશા પોતાની એનર્જી અને મસ્તીભર્યા અંદાજ માટે જાણીતા છે. ક્યારેક ડાન્સ મૂવ્સ તો ક્યારેક મિમિક્રી દ્વારા તેઓ ચાહકોનું મનોરંજન કરતા રહે છે. ત્રીજી વનડેમાં જ્યારે કુલદીપ યાદવે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન કોર્બિન બોશને આઉટ કર્યો, ત્યારે ટીમ ઈન્ડિયાનો ઉત્સાહ ચરમસીમાએ હતો. આ 8મી વિકેટ મળતાની સાથે જ કુલદીપે વિરાટનો હાથ પકડ્યો અને બંને ખેલાડીઓએ મૈત્રીપૂર્ણ અંદાજમાં 'કપલ ડાન્સ'ના સ્ટેપ્સ કર્યા હતા. આ રમુજી ક્ષણે સ્ટેડિયમમાં બેઠેલા દર્શકો અને ટીવી સામે બેઠેલા ચાહકોના દિલ જીતી લીધા હતા.
ભારતીય બોલરોનું શાનદાર પ્રદર્શન
મેચની વાત કરીએ તો ભારતીય બોલરોએ મહેમાન ટીમ પર શરૂઆતથી દબાણ જાળવી રાખ્યું હતું. કુલદીપ યાદવ અને ફાસ્ટ બોલર પ્રસિદ્ધ કૃષ્ણાએ તરખાટ મચાવતા 4-4 વિકેટો ઝડપી હતી. તેમના આક્રમક પ્રદર્શનને કારણે દક્ષિણ આફ્રિકાની ટીમ પૂરી 50 ઓવર પણ રમી શકી ન હતી અને 270 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ શ્રેણી હાલ 1-1 થી બરાબર છે, તેથી આ મેચ જીતનાર ટીમ સિરીઝ પોતાના નામે કરશે.
🔴 Virat Kohli + Kuldeep Yadav = Couple-dance celebration after the wicket!
— Utkarsh Yadav (@utkarshyadav79) December 6, 2025
Only Kohli can bring this energy 😂🔥#INDvsSA #ViratKohli #wicket pic.twitter.com/KnMnnwkyKP
ક્વિન્ટન ડી કોકનો રેકોર્ડબ્રેક ઈનિંગ
દક્ષિણ આફ્રિકા ભલે ઓલઆઉટ થઈ ગયું હોય, પરંતુ ઓપનર ક્વિન્ટન ડી કોકે એકલા હાથે લડત આપી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા 106 રનની સદી ફટકારી હતી. આ તેની વનડે કારકિર્દીની 23મી સદી હતી.
રેકોર્ડ: આ સદી સાથે તેણે વિકેટકીપર તરીકે સૌથી વધુ સદી ફટકારવાના કુમાર સંગાકારાના રેકોર્ડની બરાબરી કરી છે.
ભારત સામે દબદબો: આ ભારત સામે તેની 7મી વનડે સદી હતી, જેના દ્વારા તેણે સનથ જયસૂર્યાના ભારત સામે સૌથી વધુ સદીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
કેએલ રાહુલનું નસીબ ચમક્યું
આ મેચમાં ભારતીય કેપ્ટન કેએલ રાહુલ પણ ખૂબ ખુશ જોવા મળ્યા હતા. તેનું કારણ એ હતું કે છેલ્લા 20 મેચોથી ભારત સતત ટોસ હારી રહ્યું હતું, પરંતુ વિશાખાપટ્ટનમમાં સિક્કો ભારતની તરફેણમાં પડ્યો અને રાહુલે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.




















