Virat Kohli retirement news: ભારતીય ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બાદ તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાંથી પણ નિવૃત્તિની જાહેરાત કરીને સમગ્ર ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સ્પષ્ટતા કરી હતી કે વિરાટે ઘણા સમય પહેલા જ ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું હતું. જોકે, ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ માટે રવાના થઈ ચૂકી છે તેમ છતાં, કોહલીની નિવૃત્તિ અંગેની ચર્ચા હજુ સુધી અટકી નથી. હવે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી અંગે એક મોટો દાવો કર્યો છે.
શું વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરશે?
ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કે પોતાની યુટ્યુબ ચેનલ પરના 'બિયોન્ડ ૨૩ પોડકાસ્ટ' માં વિરાટ કોહલીની નિવૃત્તિ પાછી ખેંચવા અંગે મોટો દાવો કર્યો છે. ક્લાર્કે જણાવ્યું હતું કે, "જો ભારતીય ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં ખરાબ રીતે હારી જાય છે, તો વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ પાછી ખેંચી શકે છે." ક્લાર્કે વધુમાં ઉમેર્યું હતું કે જો ભારતીય ટીમ ઇંગ્લેન્ડમાં સંઘર્ષ કરતી જોવા મળે છે, તો પસંદગીકારો વિરાટને ટીમમાં પાછા ફરવાનું કહી શકે છે, કારણ કે તેમની પાસે હાલ ટેસ્ટ ફોર્મેટમાં અનુભવી બેટ્સમેનોની અછત વર્તાઈ રહી છે.
કોહલીની નિવૃત્તિ અને કારકિર્દીનો અહેવાલ
વિરાટ કોહલીએ ગયા મહિને ૧૨ મે, ૨૦૨૫ ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. રસપ્રદ વાત એ છે કે, વિરાટના માત્ર પાંચ દિવસ પહેલા જ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. BCCI નું કહેવું છે કે વિરાટે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) પછી ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાની યોજના બનાવી હતી.
કોહલીએ પોતાની કારકિર્દીમાં ૧૨૩ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં ૯,૨૩૦ રન બનાવ્યા હતા. વિરાટે પોતાની કારકિર્દીની શરૂઆતમાં કહ્યું હતું કે તે ટેસ્ટ ક્રિકેટમાં ૧૦ હજાર રન બનાવવા માંગે છે, પરંતુ BGT માં તેમના ફોર્મને જોતા તેમણે નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે માઈકલ ક્લાર્કના આ દાવાએ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં વિરાટની ટેસ્ટ ક્રિકેટમાં સંભવિત વાપસી અંગેની ચર્ચાઓને ફરીથી વેગ આપ્યો છે. ઇંગ્લેન્ડ સામેની શ્રેણીનું પરિણામ આ ચર્ચાઓ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.