Virender Sehwag news: પોતાની આક્રમક બેટિંગ માટે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગે વર્ષો પછી એક એવો મોટો ખુલાસો કર્યો છે, જેનાથી ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે. સેહવાગે આખરે મૌન તોડતા સ્પષ્ટતા કરી છે કે ભૂતકાળમાં વિરાટ કોહલી અને ખુદ BCCI ના સેક્રેટરીએ તેમને ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનવા માટે સામેથી વિનંતી કરી હોવા છતાં, તેમણે આ મોટી ભૂમિકા કેમ નકારી કાઢી હતી. કોચ પદ માટે ઇનકાર કરવા પાછળનું સાચું કારણ હવે સેહવાગે પોતે જ દુનિયા સામે મૂક્યું છે.

Continues below advertisement

કોહલી અને કુંબલે વચ્ચેના વિવાદનો તે સમય

સેહવાગે જે સમયનો ઉલ્લેખ કર્યો છે, તે વર્ષ 2017 નો સમય હતો. આ એ સમય હતો જ્યારે ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે અનિલ કુંબલે ફરજ બજાવી રહ્યા હતા અને વિરાટ કોહલી ટીમના કેપ્ટન હતા. તે દિવસોમાં કોહલી અને કોચ કુંબલે વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ આવી ગઈ હતી. બંને વચ્ચેનો તણાવ એટલી હદે વધી ગયો હતો કે આખરે જૂન 2017 માં કુંબલેએ પોતાના કોચ પદેથી રાજીનામું આપી દેવું પડ્યું હતું. હવે વર્ષો પછી સેહવાગે ખુલાસો કર્યો છે કે આ વિવાદ બાદ તેઓ કેવી રીતે કોચ બનવાની સાવ નજીક પહોંચી ગયા હતા, પરંતુ છેલ્લી ઘડીએ તેમણે ના પાડી દીધી હતી.

Continues below advertisement

વિરાટ કોહલી અને BCCI સચિવે સામેથી કર્યો હતો સંપર્ક

આ ઘટનાક્રમ વિશે વાત કરતા સેહવાગે એક મુલાકાતમાં સ્પષ્ટ કહ્યું કે, "જો વિરાટ કોહલી અને તે સમયના BCCI ના સેક્રેટરી અમિતાભ ચૌધરીએ મારો સામેથી સંપર્ક ન કર્યો હોત, તો મેં કોચ પદ માટે અરજી કરવાનું વિચાર્યું પણ ન હોત. તેમણે મારી સાથે એક ખાસ મીટિંગનું આયોજન કર્યું હતું. મીટિંગમાં તેમણે મને ચોખ્ખા શબ્દોમાં સમજાવ્યું કે વિરાટ કોહલી અને અનિલ કુંબલે વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી, તેથી તેઓ ઇચ્છે છે કે હું ભારતીય ટીમના કોચ પદ માટે અરજી કરું."

સેહવાગે વધુમાં જણાવ્યું કે વર્ષ 2017 માં રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન તેઓ કોમેન્ટ્રી પેનલનો હિસ્સો હતા. આ ટૂર્નામેન્ટ પછી અનિલ કુંબલેનો કોચ તરીકેનો કરાર પૂર્ણ થવાનો હતો અને અંદરખાને એવી યોજના હતી કે કુંબલે ત્યારબાદ વેસ્ટ ઇન્ડીઝ ટીમના કોચ બનશે.

આ પણ વાંચોઃ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં 16 વર્ષીય ગુજરાતી ખેલાડીની એન્ટ્રી, જાણો કોણ છે?

પોતાનો મનપસંદ સપોર્ટ સ્ટાફ ન મળતાં ઠુકરાવી દીધી ઓફર

તો પછી એવી કઈ બાબત હતી જેના કારણે સેહવાગે આટલી મોટી તક જતી કરી? આ સવાલનો જવાબ આપતા સેહવાગે કહ્યું કે તેમને પોતાનો મનપસંદ સપોર્ટ સ્ટાફ નહોતો મળ્યો, જેના કારણે તેમણે કોચિંગ પદ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો.

સેહવાગે સ્પષ્ટતા કરતા કહ્યું, "મેં તેમને તરત હા પણ નહોતી કહી અને સીધી ના પણ નહોતી પાડી. મેં તેમને માત્ર એટલું જ કહ્યું હતું કે જો હું કોચ તરીકે જોડાઈશ, તો મને મારો પોતાનો સપોર્ટ સ્ટાફ જોઈશે. મને મારા આસિસ્ટન્ટ કોચ, બેટિંગ કોચ, બોલિંગ કોચ, ફિલ્ડિંગ કોચ, ફિઝિયોથેરાપિસ્ટ અને ટ્રેનર મારી પોતાની પસંદગીના જ જોઈતા હતા. પરંતુ મારી આ માંગણી સંતોષાઈ નહીં અને મને મારી પસંદગીનો સ્ટાફ ન મળ્યો, તેથી મેં કોચ બનવાની ના પાડી દીધી."

આ પણ વાંચોઃ મેચ ફિક્સિંગમાં ફસાયો આ ક્રિકેટર, ICC એ લગાવ્યો 8 વર્ષનો કડક પ્રતિબંધ