Team India Head Coach: 27 ઓગષ્ટથી એશિયા કપ 2022 શરુ થઈ રહ્યો છે ત્યારે થોડા દિવસો પહેલાં ટીમ ઈન્ડિયાના હેડ કોચ અને દિગ્ગજ ક્રિકેટર રાહુલ દ્રવિડનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારે હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે પૂર્વ ભારતીય ક્રિકેટર VVS લક્ષ્મણને જવાબદારી સોંપવામાં આવી છે.
ટીમ ઈન્ડિયાના વચગાળાના કોચની જવાબદારીઃ
BCCI દ્વારા આજે જાહેર કરવામાં આવેલી મીડિયા એડવાઈઝરીમાં જણાવાયું હતું કે, ભારતના સિનીયર પૂર્વ ક્રિકેટર VVS લક્ષ્મણ UAEમાં રમાનારી આગામી ACC એશિયા કપ 2022 માટે ટીમ ઈન્ડિયાના વચગાળાના હેડ કોચ રહશે. મહત્વનું છે કે, ઝિમ્બાબ્વે સામે રમાયેલી વન ડે સિરીઝમાં VVS લક્ષ્મણ પણ ટીમ ઈન્ડિયા સાથે રહ્યો હતો. ત્યારે હવે રાહુલ દ્રવિડની ગેરહાજરીમાં VVS લક્ષ્મણ હેડ કોચની ભૂમિકામાં ટીમની તૈયારીની દેખરેખ રાખશે.
દ્રવિડનો રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ ટીમમાં જોડાશેઃ
ટીમ ઈન્ડિયાના હેડ કોચ રાહુલ દ્રવિડે એશિયા કપ 2022 માટે UAE જતાં પહેલા કરાવેલા COVID-19 ટેસ્ટમાં તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. હવે દ્રવિડનો ટેસ્ટ નેગેટિવ આવશે અને BCCIની મેડિકલ ટીમ દ્વારા તેમને ક્લિયરન્સ આપ્યા બાદ ફરીથી તેઓ ટીમમાં જોડાશે.
27 ઓગષ્ટથી શરુ થશે એશિયા કપ 2022ઃ
તમને જણાવી દઈએ કે, 27 ઓગષ્ટથી UAE એશિયા કપ શરુ થવા જઈ રહ્યો છે. એશિયા કપની પ્રથમ મેચ બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાશે. ત્યાર બાદ 28 ઓગષ્ટના રોજ ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ટૂર્નામેન્ટની બીજી મેચ રમાશે. ભારત અને પાકિસ્તાનની મેચને લઈ ક્રિકેટ ફેન્સમાં ખુબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાલ પાકિસ્તાન અને ભારતની ટીમો દુબઈ પહોંચી ગઈ છે અને તેમની પ્રેક્ટિસ શરુ કરી દીધી છે.
એશિયા કપ માટે ભારતની ટીમઃ રોહિત શર્મા (C), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, દીપક હુડ્ડા, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.