નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2020ની મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચેની મેચ ટાઈ થતાં સુપર ઓવર રમાઈ હતી. સુપર ઓવરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવીને જીત મેળવી હતી. બંને ટીમે 20-20 ઓવરમાં 201 રન બનાવતાં સુપર ઓવરમાં મેચ ગઈ હતી. સુપર ઓવરમા બેંગલુરુએ જીત માટે 8 રન બનાવવાના હતા અને ડી વિલિયર્સે છેલ્લા બોલે ચોગ્ગો ફટકારીને મેચ જીતી લીધી.

મુંબઈ ઈન્ડિયન્સ આ મેચમાં હારી ચૂક્યું હતું ત્યારે ઈશાન કિશન અને પોલાર્ડે બાજી પલટીને તોફાની બેટિંગ કરી હતી. ઈશાન કિશને 99 રનની ઈનિંગ્સ રમી હતી. ઈશાન કિશને 58 બોલમાં 2 ચોગ્ગા અને 9 સિક્સર સાથે 99 રન ફટકાર્યા હતા.

મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ જોરદાર ફોર્મમાં રમી રહેલા ઈશાન કિશનને સુપર ઓવરમાં પોલાર્ડ સાથે નહીં મોકલીને આશ્ચર્ય સર્જ્યું હતું. તેના બદલે પોલાર્ડ સાથે તેણે હાર્દિક પંડ્યાને મોકલ્યો હતો. આ માટે રોહિત શર્માએ એવું કારણ આપ્યું છે કે, ઈશાન બહુ થાકી ગયો હોવાથી તેને બેટિંગમાં નહોતો મોકલાયો. ઈશાને જોરદાર ઈનિંગ્સ રમી હોવાથી તેને થાક લાગ્યો હતો.