Women's Asia Cup T20 2022 Semi Final: ભારતે મહિલા T20 એશિયા કપ 2022ની પ્રથમ સેમિફાઇનલમાં થાઇલેન્ડને હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે. ટીમ ઈન્ડિયાએ આ મેચ 74 રને જીતી લીધી હતી.
પ્રથમ બેટિંગ કરતા ભારતીય મહિલા ટીમે 149 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં થાઈલેન્ડની ટીમ 74 રન જ બનાવી શકી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 42 રનની શાનદાર ઇનિંગ રમી હતી. જ્યારે દીપ્તિ શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 3 વિકેટ ઝડપી હતી. દીપ્તિએ 4 ઓવરમાં માત્ર 7 રન આપ્યા અને એક મેડન ઓવર પણ નાખી હતી.
ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી થાઈલેન્ડની ટીમ તરફથી નટ્ટાયા બુચથમે સૌથી વધુ 21 રન બનાવ્યા હતા. જ્યારે કેપ્ટન નરુમોલ ચાઈવાઈએ 41 બોલમાં 21 રન ફટકાર્યા હતા. આ બંને સિવાય કોઈ પણ બેટર સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો.
ભારત તરફથી દીપ્તિએ શાનદાર બોલિંગ કરી હતી. તેણે 4 ઓવરમાં 7 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રાજેશ્વરી ગાયકવાડે 4 ઓવરમાં માત્ર 10 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. રેણુકા સિંહે 2 ઓવરમાં 6 રન આપીને સફળતા મેળવી હતી. સ્નેહ રાણાએ 4 ઓવરમાં 16 રન આપીને એક વિકેટ ઝડપી હતી. શેફાલીએ 2 ઓવરમાં 9 રન આપીને એક વિકેટ ઝડપી હતી. રાધા યાદવને એક પણ સફળતા મળી નહોતી.
અગાઉ શેફાલીએ ભારત માટે સારી બેટિંગ કરી હતી. તેણે 28 બોલમાં 42 રન ફટકાર્યા હતા. શેફાલીએ આ દરમિયાન 5 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. કેપ્ટન હરમનપ્રીત કૌરે 30 બોલમાં 36 રન ફટકાર્યા હતા. જેમિમા રોડ્રિગ્ઝે 27, પૂજા વસ્ત્રાકરે 17 અને સ્મૃતિ મંધાનાએ 13 રન ફટકાર્યા હતા
મહિલા T20 એશિયા કપ 2022 ની બીજી સેમિફાઇનલ મેચ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ મેચ ગુરુવારે બપોરે 1 વાગ્યાથી શરૂ થશે. આ મેચ જીતનારી ટીમ ફાઇનલમાં ભારત સામે ટકરાશે. ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે.