નવી દિલ્હી: ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા આઈસીસી મહિલા વર્લ્ડકપની સેમીફાઈનલ મુકાબલા પહેલા વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ગુરુવારે (5 માર્ચ) ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે અને મેચ પર વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે. તેને જોતાં ઑસ્ટ્રેલિયાની ટીમે આઈસીસીને રિઝર્વ ડે રાખવાની માંગ કરી હતી. જેને નકારી દીધી છે.


જો દક્ષિણ આફ્રિકા અને ઑસ્ટ્રેલિયાની મેચ વરસાદના કારણે રદ થઈ જાય છે તો આફ્રિકાની ટીમને તેનો ફાયદો થશે. આફ્રિકાની ટીમ લીગ સ્ટેજમાં વધારે પોઈન્ટ્સના આધારે ફાઈનલમાં જગ્યા બનાવી લેશે. સેમીફાઈનલ માટે રિઝર્વ ડે નહીં રાખવાના નિર્ણયની ઈંગ્લેન્ડની કેપ્ટન હીથર નાઈટે આલોચના કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ઈંગ્લેન્ડમાં રમાયેલા વનડે વર્લ્ડકપની સેમીફાઈનલ અને ફાઇનલ મેચ માટે આઈસીસીએ રિઝર્વ ડે રાખ્યો હતો. પરંતુ ટ્વેન્ટ- ટ્વેન્ટીમાં આઈસીસી નૉક આઉટ મુકાબલામાં રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી.


સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ગુરુવારે સવારે 9.30 વાગ્યે પ્રથમ સેમીફાઈનલ અને બોપરે 1.30 વાગ્યે બીજી સેમીફાઈનલ મેચ રમાવાની છે. ક્રિકેટ ઑસ્ટ્રેલિયાએ અગાઉથી ગુરુવારે સિડનીમાં વરસાદની ચેતવણી આપી દીધી છે. જો બન્ને મેચ રદ્દ થાય તો ઑસ્ટ્રેલિયાની સાથે ઇંગ્લેન્ડ પણ વર્લ્ડ કપથી બહાર થઈ જશે.

ભારતીય ટીમે ગ્રુપ-એમાં તમામ ચાર મેચ જીતીને કુલ 8 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે ઈંગ્લેન્ડ 6 પોઈન્ટ સાથે ગ્રુપ બીમાં બીજા નંબરે છે. એવામાં મેચ રદ્દ થાય તો ટીમ ઈન્ડિયાનું ફાઈનલમાં પહોંચવાનું નક્કી જ છે.