ICC ODI World Cup 2023: વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે સૌથી મહત્વનો ખેલાડી છે, બાંગ્લાદેશ સામે બોલિંગ કરતા સમયે હાર્દિક પંડ્યાના પગના સ્નાયુઓ ખેંચાઇ ગયા હતા. તે તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો, પરંતુ બોલ રોકતા સમયે બોલ તેના પગમાં વાગ્યો હતો અને તે ઇજાગ્રસ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાના ડોક્ટરે મેદાન પર તેની સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. બાદમાં વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવરના બાકીના ત્રણ બોલ ફેંકીને ઓવર પુરી કરી હતી.






હાર્દિક પંડ્યાના સ્થાન પર કોને મળશે તક?


આવી સ્થિતિમાં હવે ટીમ ઈન્ડિયા સામે એક નવી સમસ્યા ઉભી થઈ છે કે જો હાર્દિક પંડ્યા ઇજાના કારણે વર્લ્ડકપમાંથી બહાર થઇ જશે તો તેના સ્થાને ક્યા ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે ટીમ ઈન્ડિયા પાસે અત્યારે હાર્દિક પંડ્યાની સમકક્ષ કોઈ અન્ય વિકલ્પ નથી, પરંતુ તેમ છતાં કેટલાક નામો છે જેના પર ટીમ મેનેજમેન્ટ ચર્ચા કરી શકે છે.


અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાં પરત લાવી શકાય છે. તેનું નામ અગાઉ પણ વર્લ્ડ કપની ટીમમાં સામેલ કરવામાં આવ્યું હતું, પરંતુ ઈજાના કારણે અશ્વિનને તેના બદલે સામેલ કરવામાં આવ્યો હતો. જો કે હાર્દિક પંડ્યા હવે સ્વસ્થ નહીં થાય તો ટીમ ઈન્ડિયા ફરી એકવાર અક્ષર પટેલને તક આપી શકે છે. આ સિવાય હાર્દિક પંડ્યાના સ્થાને ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરના વિકલ્પોમાં શિવમ દુબે અને વિજય શંકરના નામ પર વિચાર કરવામાં આવી શકે છે. શિવમ દુબેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહુ અનુભવ નથી, પરંતુ તેની બેટિંગ ઘણી સારી છે. જ્યારે વિજય શંકર ગત વર્લ્ડ કપમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ તે પછી તે ટીમની બહાર થઈ ગયો હતો. આ વખતે તે ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યો છે, તેથી તેના નામ પર પણ વિચાર કરી શકાય છે.