ICC ODI World Cup 2023, Pakistan: ભારતમાં રમાનારા વન ડે વર્લ્ડકપમાં પાકિસ્તાન રમવા આવશે કે કેમ તેને લઈને હજી પણ અવઢવની સ્થિતિ છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમને ભારત મોકલવી કે કેમ તેનો નિર્ણય સરકાર પર છોડી દીધો હતો. હવે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનારી 2023 ODI વર્લ્ડકપમાં પાકિસ્તાનની ટીમની ભાગીદારી અંગે નિર્ણય લેવા માટે વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે.


આ સમિતિ ભારત-પાકિસ્તાન સંબંધોના તમામ પાસાઓ, રમતગમત અને રાજકારણને અલગ રાખવાની સરકારની નીતિ અને ખેલાડીઓ, અધિકારીઓ, પ્રશંસકો અને મીડિયા માટે ભારતની સ્થિતિ પર પીએમ શરીફને તેની ભલામણો સબમિટ કરતા પહેલા ચર્ચા કરશે. જાહેર છે કે, વડાપ્રધાન પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સંરક્ષક પણ છે.


ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને બોર્ડ ઓફ ક્રિકેટ ઇન ઈન્ડિયા (BCCI)એ પહેલાથી જ વર્લ્ડકપના શેડ્યૂલની જાહેરાત કરી દીધી છે.બંને બોર્ડ અપેક્ષા રાખી રહ્યા છે કે, પાકિસ્તાન 05 ઓક્ટોબરથી શરૂ થનારી ક્રિકેટની મેગા ઈવેન્ટ માટે ભારતનો પ્રવાસ કરશે.


જો કે, પીસીબી દ્વારા તેને કહેવામાં આવ્યું છે કે, પ્રીમિયર સ્પર્ધામાં તેની રાષ્ટ્રીય ટીમની ભાગીદારી બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ સંબંધોને કારણે સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે.


સમિતિના અન્ય સભ્યોમાં ખેલ મંત્રી અહેસાન મઝારી, મરિયમ ઔરંગઝેબ, અસદ મહમૂદ, અમીન-ઉલ-હક, કમર ઝમાન કૈરા અને ભૂતપૂર્વ રાજદ્વારી તારિક ફાતમીનો સમાવેશ થાય છે. સંબંધિત મંત્રીઓએ પહેલાથી જ PCBને સંકેત આપ્યો છે કે, પાકિસ્તાન જ્યાં મેચ રમવાનું છે તે મેચ સ્થળોનું નિરીક્ષણ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સુરક્ષા પ્રતિનિધિમંડળ ભારત મોકલવામાં આવશે.


ક્રિકેટ બોર્ડના કાર્યવાહક પ્રમુખ ઝકા અશરફ અને ચીફ ઓપરેટિંગ ઓફિસર સલમાન તાસીર આઈસીસીની બેઠકમાં ભાગ લેવા માટે ડરબન જશે. આ બેઠકોમાં અશરફ વારંવાર સુરક્ષા કારણોને ટાંકીને ભારત દ્વારા તેમની ટીમ મોકલવાનો ઇનકાર કરવાનો મુદ્દો ઉઠાવી શકે છે.


ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપની બહુપ્રતીક્ષિત મેચ 15 ઓક્ટોબરે અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમાશે. બીજી તરફ, પાકિસ્તાન હૈદરાબાદમાં તેની બંને પ્રેક્ટિસ મેચ રમશે અને પછીએ જ સ્થળે નેધરલેન્ડ અને શ્રીલંકા સામે વર્લ્ડકપ મેચ રમશે. પાકિસ્તાનની ટીમ ચેન્નઈ, બેંગલુરુ અને કોલકાતામાં પણ તેની મેચ રમવાની છે.


https://t.me/abpasmitaofficial