ENG vs AFG: અફઘાનિસ્તાને આ વર્લ્ડ કપમાં પ્રથમ અપસેટ સર્જ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડને હરાવીને આ ટીમે આખી દુનિયાને કહ્યું કે તે કોઈપણ ટીમને હરાવી શકે છે. આ મેચ જીતીને અફઘાનિસ્તાને માત્ર ઈંગ્લેન્ડને જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયાને પણ આંચકો આપ્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને હતી અને અફઘાનિસ્તાન દસમા સ્થાને હતું, પરંતુ ઈંગ્લેન્ડને હરાવીને અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ તળિયે એટલે કે દસમા સ્થાને પહોંચી ગઈ છે.
ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાન વચ્ચેની આ વર્લ્ડ કપ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ 49.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 284 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લા ગુરબાઝે 140થી ઉપરના સ્ટ્રાઈક રેટથી માત્ર 57 બોલમાં 80 રન બનાવ્યા અને ટીમને શાનદાર શરૂઆત અપાવી. જે બાદ ઇકરામ અલીખીએ પણ 58 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ બે સિવાય રાશિદ ખાને 23 રન અને મુજીબ ઉર રહેમાને 28 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી.
અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંનેને ઝટકો આપ્યો
અફઘાનિસ્તાને બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને મુજીબ ઉર રહેમાને 10 ઓવરમાં 51 રન આપીને 3 વિકેટ લીધી હતી. તેમના સિવાય મોહમ્મદ નબી અને રાશિદ ખાને પણ અનુક્રમે 2 અને 3 વિકેટ લીધી હતી અને ટીમને શાનદાર જીત અપાવી હતી. ઇંગ્લેન્ડ તરફથી હેરી બ્રુકે (66) સૌથી મોટી ઇનિંગ્સ રમી હતી.
ભારતીય ટીમે તેની ત્રણમાંથી ત્રણેય મેચ જીતી છે
આ જીત સાથે અફઘાનિસ્તાનની ટીમ પોઈન્ટ ટેબલમાં દસમા સ્થાનેથી સીધી છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. તો બીજી તરફ, ઓસ્ટ્રેલિયાની ટીમ નવમા સ્થાનેથી સૌથી નીચલા સ્થાને એટલે કે દસમા સ્થાને પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ તેની 3 મેચમાંથી 2 હાર્યા બાદ માત્ર 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. ભારતીય ટીમે તેની ત્રણમાંથી ત્રણેય મેચ જીતી છે અને 6 પોઈન્ટ મેળવ્યા છે અને પોઈન્ટ ટેબલમાં તે ટોપ પર એટલે કે નંબર 1 પર છે. તે પછી નંબર-2 પર ન્યુઝીલેન્ડ, નંબર-3 પર સાઉથ આફ્રિકા અને નંબર-4 પર પાકિસ્તાન છે.