Shubman Gill Dengue Positive:  વર્લ્ડ કપ 2023 શરૂ થઈ ગયો છે. આમાં ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે જે રવિવારે રમાશે. આ પહેલા ભારતીય ચાહકો માટે ખરાબ સમાચાર છે. ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યુનો શિકાર બન્યો છે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ શુભમન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાંથી પણ બહાર રહી શકે છે.  પરંતુ હાલમાં આ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.






 


ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચેન્નઈમાં મેચ રમાવાની છે. આ પહેલા ટીમ ઈન્ડિયા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહી છે. પરંતુ શુભમને પ્રેક્ટિસમાં ભાગ લીધો નથી. તેનો ડેન્ગ્યુનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે પોઝિટિવ આવ્યો હતો. હાલમાં શુભમન મેનેજમેન્ટ અને ડોક્ટરોની દેખરેખમાં છે. શુક્રવારે ફરીથી તેની તપાસ કરવામાં આવશે. જો શુભમનની રિકવરી સારી રહેશે તો તે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમી શકે છે. પરંતુ જો તે સ્વસ્થ નહીં થાય તો તે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાંથી બહાર થઈ જશે.


ભારતીય ટીમ શુભમનના વિકલ્પની શોધમાં રહેશે. ભારત પાસે ઈશાન કિશન અને કેએલ રાહુલના રૂપમાં બે વિકલ્પ છે. કેએલ રાહુલને કેપ્ટન રોહિત શર્માની સાથે તક આપવામાં આવી શકે છે. કેએલ રાહુલની વાત કરીએ તો તે ભારત માટે 16 વન-ડે મેચમાં ઓપનિંગ કરી ચૂક્યો છે. દરમિયાન તેણે 669 રન બનાવ્યા છે.


વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. ન્યૂઝીલેન્ડે 9 વિકેટે જીત મેળવી હતી. ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે છે. તે રવિવારે ચેન્નઈમાં રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે.              


ગિલે આ વર્ષની શરૂઆતમાં ન્યૂઝીલેન્ડ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં તેના ખરાબ પ્રદર્શનને બાદ કરતા તેણે શાનદાર બેટિંગ કરી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં તે એક અલગ જ રંગમાં હતો. જ્યાં તે આ સીઝનમાં સૌથી વધુ 890 રન બનાવનાર ખેલાડી હતો. તેણે તાજેતરમાં એશિયા કપમાં પણ 302 રન બનાવ્યા હતા.