England vs South Africa Full Match Highlights: દક્ષિણ આફ્રિકાએ મુંબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે વિશ્વ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હરાવીને ઇતિહાસ રચ્યો છે. હેનરિક ક્લાસેન (67 બોલ, 109 રન)ની તોફાની સદી બાદ બોલરોના વિસ્ફોટક પ્રદર્શનને કારણે દક્ષિણ આફ્રિકાએ ઈંગ્લેન્ડને 229 રનથી હરાવ્યું છે. ODI ક્રિકેટના ઈતિહાસમાં ઈંગ્લેન્ડની આ સૌથી મોટી હાર છે.
પ્રથમ બેટિંગ કરીને દક્ષિણ આફ્રિકાએ 50 ઓવરમાં 7 વિકેટે 399 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 170 રન જ બનાવી શકી હતી. ઈંગ્લેન્ડે માત્ર 100 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી માર્ક વૂડ 43 અણનમ અને ગસ એટકિન્સન 35એ હારનું માર્જિન ઘટાડી દીધું હતું. આ વર્લ્ડ કપમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડની આ ત્રીજી હાર છે.
ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા
દક્ષિણ આફ્રિકા દ્વારા આપવામાં આવેલા 400 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે ઈંગ્લેન્ડના તમામ બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. કોઈ ઈંગ્લિશ બેટ્સમેન લડાઈ આપતો જોવા મળ્યો ન હતો. પ્રથમ જોની બેરસ્ટો 10 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી જો રૂટ 02 રન અને ડેવિડ મલાન 06 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. બેયરસ્ટોને લુંગી એનગિડીએ આઉટ કર્યો હતો જ્યારે રૂટ અને મલાનને યાનસેને પેવેલિયન મોકલ્યા હતા.
24 રનમાં ત્રણ વિકેટ પડી ગયા બાદ બધાની નજર બેન સ્ટોક્સ પર હતી, પરંતુ તે પણ આફ્રિકન બોલરોનો વધુ સમય સુધી સામનો કરી શક્યો નહીં. સ્ટોક્સ પાંચ રન બનાવીને રબાડાની બોલિંગ પર આઉટ થયો હતો. આ પછી જોસ બટલર અને હેરી બ્રુકે મોટા શોટ રમ્યા, પરંતુ આ બંને ખેલાડીઓ વધુ સમય સુધી ક્રિઝ પર ટકી શક્યા નહીં.
જોસ બટલર સાત બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 15 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે હેરી બ્રુકે બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 17 રન બનાવ્યા હતા. આ પછી ડેવિડ વિલી 12 રન બનાવીને આઉટ થયો હતો અને આદિલ રાશિદ 10 રન બનાવીને આઉટ થયો હતો. આ રીતે ઈંગ્લેન્ડે માત્ર 100 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી. રીસ ટોપ્લે ઈજાગ્રસ્ત હતો, તેથી દક્ષિણ આફ્રિકાને જીતવા માટે માત્ર 9 વિકેટ લેવાની હતી. જોકે, માર્ક વૂડે 17 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 43 રન અને એટકિન્સને 21 બોલમાં સાત ચોગ્ગાની મદદથી 35 રન ફટકારીને હારનું અંતર ઓછું કર્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ-11
ઇંગ્લેન્ડ: જોસ બટલર (કેપ્ટન અને વિકેટકિપર), જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, બેન સ્ટોક્સ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), ડેવિડ વિલી, આદિલ રશીદ, ગુસ એટકિન્સન, માર્ક વુડ, રીસ ટોપ્લી.
દક્ષિણ આફ્રિકા: એડન માર્કરમ (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), રીઝા હેન્ડ્રિક્સ, રાસી વાન ડેર ડ્યુસેન, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, માર્કો જેન્સન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા અને લુન્ગી એન્ગિડી.