WTC Final 2025: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025ની ફાઇનલ મેચ બુધવાર, 11 જૂનથી લોર્ડ્સ ખાતે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શરૂ થશે. આ ફાઇનલ નક્કી કરશે કે ત્રીજો WTC ટાઇટલ કોણ જીતશે? ટેસ્ટ ક્રિકેટની પ્રખ્યાત ગદા કઈ ટીમનો કેપ્ટન ઉપાડશે? પરંતુ તે પહેલાં એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે લોર્ડ્સનું મેદાન બે ટીમોમાંથી કઈ ટીમ માટે લકી સાબિત થયું છે?
2023માં શરૂ થયેલ WTC નું ત્રીજું ચક્ર 11 થી 15 જૂન સુધી લોર્ડ્સ ખાતે રમાનારી ફાઇનલ સાથે સમાપ્ત થઈ રહ્યું છે. જ્યારે ટીમ ઇન્ડિયા છેલ્લી બે ફાઇનલમાં સ્થાન મેળવામાં ચૂકી ગઇ હતી, ત્યારે આ વખતે દક્ષિણ આફ્રિકાએ તેનું સ્થાન લીધું છે, જે આ ફાઇનલ પહેલી વાર રમશે. દક્ષિણ આફ્રિકાએ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને હતું, જેણે છેલ્લી ચેમ્પિયનશિપ જીતી હતી. ઓસ્ટ્રેલિયાને લંડનમાં જ તે વિજય મળ્યો હતો, પરંતુ તે મેદાન ઓવલ હતું. આ વખતે ફાઇનલ લોર્ડ્સમાં છે.
લોર્ડ્સમાં કોનો રેકોર્ડ વધુ મજબૂત છે?
હવે પ્રશ્ન એ છે કે લોર્ડ્સનું મેદાન કોના માટે નસીબદાર રહ્યું છે, દક્ષિણ આફ્રિકા કે ઓસ્ટ્રેલિયા? આ પ્રશ્ન એટલા માટે પૂછવામાં આવી રહ્યો છે કારણ કે તે બંને ટીમો માટે તટસ્થ મેદાન છે. પરંતુ આંકડા અને ઇતિહાસ દર્શાવે છે કે આ મેદાન બંને ટીમો માટે હોમ ગ્રાઉન્ડથી ઓછું નથી. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને આ મેદાન પર અપાર સફળતા મળી છે.
જો આપણે રેકોર્ડ જોઈએ તો બીજા વિશ્વયુદ્ધ પછી ઓસ્ટ્રેલિયાએ લોર્ડ્સમાં 23 ટેસ્ટ મેચ રમી છે અને ફક્ત 2 વાર હારનો સામનો કરવો પડ્યો છે. ઓસ્ટ્રેલિયાએ 12 મેચ જીતી છે. બીજી તરફ દક્ષિણ આફ્રિકાના આંકડા પણ મજબૂત છે. 1991-92માં ક્રિકેટમાં પાછા ફર્યા પછી દક્ષિણ આફ્રિકાએ લોર્ડ્સમાં 7 ટેસ્ટ રમી છે, જેમાંથી તેણે 5 જીતી છે અને ફક્ત 1 હારનો સામનો કરવો પડ્યો છે.
હેડ ટુ હેડમાં કોનો હાથ ઉપર છે?
એટલે કે, લોર્ડ્સનું મેદાન આ બંને ટીમો માટે ઉત્તમ સાબિત થયું છે. આવી સ્થિતિમાં ફાઇનલ રોમાંચક થવાની શક્યતા વધી જાય છે. જો આપણે બંનેના ટેસ્ટ રેકોર્ડની વાત કરીએ તો અહીં ઓસ્ટ્રેલિયાનો હાથ ઉપર છે. કુલ 101 ટેસ્ટ મેચમાંથી ઓસ્ટ્રેલિયાએ 54માં જીત મેળવી છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ 26 જીત મેળવી છે. 21 મેચ ડ્રો રહી છે. જો આપણે આ WTC ચક્રની વાત કરીએ તો ફાઇનલમાં પહોંચતા પહેલા બંને ટીમો મજબૂત ફોર્મમાં હતી. જ્યારે દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાન અને શ્રીલંકાને હરાવ્યું હતું, જ્યારે ભારત સાથે શ્રેણી ડ્રો કરી હતી, ત્યારે ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને હરાવવા ઉપરાંત પાકિસ્તાન, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડને હરાવ્યા હતા.