મહિલા પ્રીમિયર લીગની પ્રથમ સીઝનની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રીજી વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થવાની નજીક છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની મુંબઈએ તેની છઠ્ઠી મેચમાં શાનદાર વિજય નોંધાવ્યો અને આગામી રાઉન્ડમાં પહોંચવાની તેની આશા મજબૂત કરી હતી. લખનઉમાં રમાયેલી મેચમાં મુંબઈએ હેલી મેથ્યુઝના શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન અને અમેલિયા કારની 5 વિકેટની મદદથી યુપી વોરિયર્સને 6 વિકેટથી હરાવ્યું અને ફરીથી બીજું સ્થાન મેળવ્યું હતુ. આ હાર સાથે, યુપીની સફર લગભગ પૂરી થઈ ગઈ છે.
બેંગલુરુ પછી લખનઉમાં યોજાઈ રહેલી WPL 2025 મેચોમાં ગુરુવાર, 6 માર્ચની સાંજે, લીગની મજબૂત ટીમ મુંબઈ અને આ સીઝનની પાછળ રહેલી ટીમ UP વચ્ચે ટક્કર થઈ હતી. જોકે, આ મેચમાં ઉત્તર પ્રદેશે શાનદાર શરૂઆત કરીને બધાને ચોંકાવી દીધા હતા. ગ્રેસ હેરિસ (28) અને જ્યોર્જિયા વોલની ઓપનિંગ જોડીએ વિસ્ફોટક શરૂઆત અપાવી અને માત્ર આઠ ઓવરમાં 74 રન કર્યા હતા. હેરિસે ધીમી બેટિંગ કરી હોવા છતાં તેની ઓસ્ટ્રેલિયન ટીમની ખેલાડી જ્યોર્જિયા વોલે વિસ્ફોટક અડધી સદી ફટકારી હતી.
આ 21 વર્ષીય ઓપનર છેલ્લી મેચમાં WPLમાં ડેબ્યૂ કરી હતી અને તે પોતાનું ખાતું પણ ખોલી શકી ન હતી, પરંતુ આ વખતે વોલે માત્ર 33 બોલમાં 55 રન કર્યા હતા. આટલી સારી શરૂઆત છતાં યુપી વોરિયર્સ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ ગઇ હતી કારણ કે એમેલિયા કાર (5/38) અને હેલી મેથ્યુઝ (2/25) ની સ્પિન જોડીએ વિકેટો ઝડપી હતી. અંતે સોફી એક્લેસ્ટોને ઝડપથી 16 રન બનાવ્યા અને કોઈક રીતે ટીમને 9 વિકેટના નુકસાન પર 150 રન સુધી પહોંચાડી દીધી હતી.
મેથ્યુસ-સિવર બ્રન્ટે રમત પૂરી કરી
મુંબઈએ પણ ઝડપી શરૂઆત કરી હતી પરંતુ ઓપનર કેર ત્રીજી ઓવરમાં આઉટ થઈ ગઇ હતી. પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નહીં કારણ કે મેથ્યુઝ (68) અને નેટ સાયવર-બ્રન્ટ (37) ની જોડીએ વિસ્ફોટક બેટિંગ કરીને મેચ જીતી લીધી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે માત્ર 57 બોલમાં 92 રનની વિસ્ફોટક ભાગીદારી કરી જેનાથી યુપીના હાથમાંથી મેચ છીનવાઈ ગઈ હતી.
બંનેના ગયા પછી યુવા ઓલરાઉન્ડર અમનજોત કૌરે ફરી એકવાર આ સીઝનની કેટલીક મેચોની જેમ ટીમને વિજય અપાવ્યો હતો. યાસ્તિકા ભાટિયા સાથે મળીને તેણીએ 19મી ઓવરમાં ટીમને 6 વિકેટથી જીત અપાવી હતી. આ મુંબઈનો ચોથો વિજય છે અને તેમના હવે 8 પોઈન્ટ થઈ ગયા છે. મુંબઈને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે હવે ફક્ત 2 પોઈન્ટની જરૂર છે, જ્યારે બે મેચ બાકી છે.
પ્લેઓફ રેસમાં કોણ ક્યાં છે?
સતત બે ફાઇનલમાં પહોંચેલી દિલ્હી કેપિટલ્સ એકમાત્ર ટીમ છે જેણે અત્યાર સુધી પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું છે. બીજી તરફ ગુજરાત જાયન્ટ્સના 6 પોઈન્ટ છે અને માત્ર 2 મેચ બાકી છે અને તે હાલમાં ત્રીજા સ્થાને છે. બીજી તરફ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ ચોથા સ્થાને છે અને રેસમાંથી બહાર થવાની અણી પર છે. તેના 4 પોઈન્ટ છે પણ હવે ફક્ત 2 મેચ બાકી છે. 7 મેચમાં 5મી હાર સાથે યુપી વોરિયર્સના પણ ફક્ત 4 પોઈન્ટ છે પરંતુ તેઓ હાલમાં છેલ્લા સ્થાને છે અને તેમની પાસે ફક્ત એક જ મેચ બાકી છે, જે બેંગલુરુ સામે છે.
IND vs NZ ફાઇનલમાં આવું થયું તો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ સુપર ઓવરથી નક્કી થશે! જાણો ICCના નિયમો