ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે એજબેસ્ટન ટેસ્ટ દરમિયાન વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. આ દરમિયાન તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ અને ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી છે, જ્યારે માસ્ટર-બ્લાસ્ટર સચિન તેંડુલકર અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને પાછળ છોડી દીધા છે. યશસ્વી જયસ્વાલે એજબેસ્ટન ટેસ્ટની બીજી ઇનિંગ દરમિયાન આ સિદ્ધિ હાંસલ કરી હતી. જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં આ સીમાચિહ્ન હાંસલ કરનાર બીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન છે. લીડ્સ ટેસ્ટ મેચમાં શાનદાર સદી ફટકારનાર યશસ્વી બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો નહીં, પરંતુ તેણે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.
યશસ્વીએ બનાવ્યો આ રેકોર્ડ
ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો છે. આ દરમિયાન, તેણે ભૂતપૂર્વ ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી છે. જયસ્વાલે એજબેસ્ટન ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં 10 રન બનાવતા આ સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે, તે પોતાની ઇનિંગ લંબાવી શક્યો નહીં અને 22 બોલમાં 28 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. યશસ્વીએ પહેલી ઇનિંગમાં 87 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટની 40મી ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. આ પહેલા રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગે પણ એટલી જ ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા હતા. દ્રવિડે 1999માં હેમિલ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે અને 2004માં ચેન્નઈમાં ઓસ્ટ્રેલિયા સામે વીરેન્દ્ર સેહવાગે આ સિદ્ધિ મેળવી હતી.
21મી ટેસ્ટ મેચમાં સિદ્ધિ મેળવી
જયસ્વાલે 21 ટેસ્ટ મેચની 40 ઇનિંગમાં 53.10 ની સરેરાશથી 2018 રન બનાવ્યા છે. જેમાં 5 સદી અને 11 અડધી સદીનો સમાવેશ થાય છે. આ કિસ્સામાં તેણે ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન વિજય હજારે અને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધા. વિજય હજારે અને ગૌતમ ગંભીરે 43 ઇનિંગમાં 2000 રન પૂરા કર્યા. અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં ક્યાંય પણ નથી. તેણે ૫૩ ઇનિંગ્સમાં બે હજાર રન પૂરા કર્યા હતા.
આ ઉપરાંત યશસ્વી જયસ્વાલ સૌથી નાની ઉંમરે બે હજાર રન પૂરા કરનાર બીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. તેણે 23 વર્ષ 188 દિવસની ઉંમરે આ સિદ્ધિ મેળવી હતી. આ બાબતમાં સચિન તેંડુલકર તેમનાથી આગળ છે. સચિને 20 વર્ષ 330 દિવસની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં બે હજાર રન પૂરા કર્યા હતા.