yashasvi jaiswal dropped: શનિવારે BCCI દ્વારા ઇંગ્લેન્ડ સામેની 3 મેચની વનડે સિરીઝ માટે 15 સભ્યોની ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં સૌથી મોટો અને ચોંકાવનારો નિર્ણય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલને લઈને લેવાયો છે. અફઘાનિસ્તાન સામેની ત્રીજી વનડેમાં શાનદાર સદી ફટકારીને ભારતને જીત અપાવનાર જયસ્વાલને 24 કલાકમાં જ ઇંગ્લેન્ડ પ્રવાસ માટેની ટીમમાંથી બહાર કરી દેવાયો છે. આ ઉપરાંત વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલની વાપસી થઈ છે, જ્યારે હાર્દિક પંડ્યા ઈજાના કારણે બહાર છે. આ નિર્ણયોએ ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોને આશ્ચર્યમાં મુકી દીધા છે.
શાનદાર સદી છતાં જયસ્વાલની બાદબાકી
યશસ્વી જયસ્વાલે ચેપોક ખાતે રમાયેલી ત્રીજી વનડેમાં અફઘાનિસ્તાન સામે માત્ર 86 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 110 રનની શાનદાર અણનમ ઇનિંગ રમી હતી. પરંતુ બરાબર બીજા જ દિવસે જ્યારે 14, 16 અને 19 જુલાઈએ રમાનારી ઇંગ્લેન્ડ સામેની સિરીઝ માટે ટીમ જાહેર થઈ, ત્યારે તેમાં તેનું નામ નહોતું. શાનદાર ફોર્મમાં હોવા છતાં તેને ડ્રોપ કરાતા પસંદગીકારોના નિર્ણય પર સવાલો ઊભા થઈ રહ્યા છે.
કેમ ન મળ્યું ટીમમાં સ્થાન?
યશસ્વીને બહાર કરવા પાછળનું મુખ્ય કારણ ટીમનું 'કોમ્બિનેશન' માનવામાં આવે છે. અફઘાનિસ્તાન સામે વિરાટ કોહલી નહોતો રમ્યો, જેથી યશસ્વીને તક મળી હતી અને તેણે રોહિત શર્મા સાથે ઓપનિંગ કર્યું હતું, જ્યારે કેપ્ટન શુભમન ગિલ નંબર 3 પર રમ્યો હતો. હવે ઇંગ્લેન્ડ સામે કોહલીની વાપસી થઈ રહી છે, એટલે ઓપનિંગ માટે રોહિત શર્મા અને શુભમન ગિલનું સ્થાન લગભગ ફિક્સ છે. બીજી તરફ, મિડલ ઓર્ડરમાં પણ કેએલ રાહુલ અને ઈશાન કિશન જેવા ખેલાડીઓએ અગાઉથી જ પોતાની દાવેદારી મજબૂત કરી રાખી છે, જેથી યશસ્વી માટે ટીમમાં જગ્યા બની શકી નથી.
આ પણ વાંચોઃ રોહિત શર્માના ભવિષ્ય અને ઓપનિંગ અંગે કેપ્ટન ગિલનું નિવેદન - ‘આ માથાનો દુખાવો...’
ટીમમાં અન્ય મહત્વના ફેરફારો:
વિરાટ કોહલી પર સસ્પેન્સ: વનડે ટીમમાં વિરાટ કોહલીનું નામ સામેલ છે, પરંતુ તેનું રમવું ફિટનેસ ટેસ્ટ પર નિર્ભર રહેશે. IPL દરમિયાન તેને ઈજા થઈ હતી. તે લંડનમાં પોતાનો ફિટનેસ ટેસ્ટ આપશે અને પાસ થયા બાદ જ મેદાન પર ઉતરશે.
હાર્દિક અને વરુણ આઉટ: હાર્દિક પંડ્યા અને વરુણ ચક્રવર્તી બંનેને IPL દરમિયાન થયેલી ઈજાને કારણે આ વનડે સિરીઝમાંથી આરામ આપવામાં આવ્યો છે.
સરપ્રાઈઝ એન્ટ્રી અને વાપસી: અફઘાનિસ્તાન સામે રમેલા પ્રિન્સ યાદવ અને હર્ષ દુબેની જગ્યાએ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલની વાપસી થઈ છે. જ્યારે ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારને પહેલીવાર ટીમમાં તક મળી છે અને હર્ષિત રાણાની પણ સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે.
આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યા ઇંગ્લેન્ડ સામેની ODI માંથી બહાર, વિરાટ કોહલીની ફિટનેસ પર આવ્યું મોટું અપડેટ
ઇંગ્લેન્ડ પ્રવાસ માટે 15 સભ્યોની ભારતીય વનડે ટીમ:
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી (ફિટનેસ પર આધારિત), શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર.
