SL vs ZIM Highlights: ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલીયા બાદ શ્રીલંકાને હરાવ્યું, કેપ્ટન સિકંદર રઝાની તોફાની બેટિંગ
SL vs ZIM Highlights: ઝિમ્બાબ્વે 2026 T20 વર્લ્ડ કપમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહ્યું છે. તેઓએ હવે શ્રીલંકાને તેમના જ ઘરઆંગણે 6 વિકેટથી હરાવ્યું છે.

SL vs ZIM Highlights: ટી20 વર્લ્ડ કપ 2026 માં ઝિમ્બાબ્વેની ટીમ અદભૂત પ્રદર્શન કરી રહી છે. હવે તેણે શ્રીલંકાને તેના જ ઘરઆંગણે 6 વિકેટે હરાવ્યું છે. કોલંબોમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 178 રનનો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ઝિમ્બાબ્વેએ 7 બોલ બાકી હતા આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ પહેલા ઝિમ્બાબ્વેની ટીમ આ જ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને પણ હરાવી ચૂકી છે.
Zimbabwe leapfrog Sri Lanka into top spot of Group B with a thrilling win 👏📈
— ICC (@ICC) February 19, 2026
#T20WorldCup broadcast details 👉 https://t.co/NPykWM7qqY pic.twitter.com/6nlfHp6Zol
આ મેચમાં ટોસ જીતીને શ્રીલંકાની ટીમ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પથુમ નિસાંકાની અડધી સદીની મદદથી તેણે સ્કોરબોર્ડ પર સારો એવો સ્કોર ઉભો કરી દીધો હતો. પરંતુ સિકંદર રઝા અને તેની સેના મેદાનમાં વધુ એક મોટો ઉલટફેર કરવાના ઈરાદા સાથે ઉતરી હતી.
179 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેની ટીમને બ્રાયન બેનેટ અને તાડિવાનાશે મરુમાનીએ શાનદાર શરૂઆત અપાવી હતી અને 69 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. પ્રથમ 10 ઓવરમાં ઝિમ્બાબ્વેની ટીમનો રન-રેટ ઘણો ધીમો રહ્યો હતો. 10 ઓવરમાં ટીમે માત્ર 78 રન બનાવ્યા હતા, પરંતુ સારી વાત એ હતી કે તેમની પાસે 9 વિકેટ બાકી હતી.
સિકંદર રઝાની તોફાની બેટિંગ
એક છેડે બ્રાયન બેનેટ ટકી રહ્યો હતો, જે મેચમાં 63 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. જ્યારે ઇનિંગની 12મી ઓવરમાં કેપ્ટન સિકંદર રઝા બેટિંગ કરવા આવ્યો હતો. તેણે પોતાની ઇનિંગના પ્રથમ 9 બોલમાં માત્ર 6 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેણે ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવી દીધી હતી. પછીના 16 બોલમાં સિકંદરે 39 રન ફટકારી દીધા હતા.
છેલ્લી 10 ઓવરમાં ઝિમ્બાબ્વેને જીતવા માટે 101 રન કરવાના હતા. સિકંદર રઝાની 45 રનની તોફાની ઇનિંગનું જ પરિણામ હતું કે ઝિમ્બાબ્વે 179 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરી શક્યું. નોંધનીય છે કે, આ આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ ઈતિહાસમાં ઝિમ્બાબ્વેનો બીજો સૌથી મોટો સફળ રન ચેઝ છે. આ સાથે જ ઝિમ્બાબ્વેની ટીમ ગ્રુપ B માં ટોચ પર રહી છે.
ઝિમ્બાબ્વે હવે તેમની સુપર 8 મેચ રમવા માટે ભારત આવશે, જેની શરૂઆત 23 ફેબ્રુઆરીએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે થશે. ત્યારબાદ તેઓ 26 ફેબ્રુઆરીએ ચેન્નાઈના મેદાન પર ભારત સામે રમશે, જ્યારે તેઓ 1 માર્ચે દિલ્હી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામે રમશે.




















