પોર્ટુગલે સોમવારે નેશન્સ લીગનો ખિતાબ જીત્યો હતો. જર્મનીના મ્યૂનિખમાં રમાયેલી રોમાંચક મેચમાં પોર્ટુગલે 2-2 થી ડ્રો કર્યા બાદ પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-3 થી હરાવ્યું હતું. આ સાથે પોર્ટુગલ બે વાર UEFA નેશન્સ લીગનો ખિતાબ જીતનાર પ્રથમ દેશ બન્યો હતો. આ ટાઇટલ જીત બાદ ક્રિસ્ટિયાનો રોનાલ્ડો મેદાન પર જ રડવા લાગ્યો હતો. પરિસ્થિતિ એવી હતી કે સ્ટાર ફૂટબોલર મેદાન પર પોતાના આંસુ રોકી શક્યો નહીં. આ આંસુ ખુશીના હતા, જ્યારે પોર્ટુગલે નેશન્સ લીગની ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં સ્પેનને 5-3થી હરાવ્યું હતુ. આ પહેલા મેચ સમય અને ત્યારબાદ આપવામાં આવેલા વધારાના સમય સુધી સ્કોર 2-2 ની બરાબર હતો.
નેશન્સ લીગની ફાઇનલ મેચ પોર્ટુગલ અને સ્પેન વચ્ચે એલિયાન્ઝ એરેના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. માર્ટિન ઝુબીમેન્ડીએ 21મી મિનિટે સ્પેન માટે પહેલો ગોલ કર્યો હતો. માત્ર 5 મિનિટ પછી પોર્ટુગલના નુનો મેન્ડેસે ગોલ કરીને સ્કોર 1-1 ની બરાબર કર્યો હતો.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના ગોલ સાથે સ્કોર બરાબર થયો
45મી મિનિટે મિકલે ગોલ કરીને સ્પેનને 2-1 ની લીડ અપાવી હતી. આ પછી પોર્ટુગલે ગોલ કર્યો પરંતુ રોનાલ્ડો ઓફસાઇડ ઉભો હતો, તેથી આ ગોલ અમાન્ય જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, 61મી મિનિટે રોનાલ્ડોએ શાનદાર ગોલ કરીને સ્કોર 2-2 ની બરાબર કર્યો હતો.
ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રડવા લાગ્યો
રોનાલ્ડોના ગોલ પછી મેચ સમયના અંત સુધી કોઈ ગોલ થયો ન હતો જેથી વધારાનો સમય આપવામાં આવ્યો હતો પરંતુ અહીં પણ કોઈ ગોલ થયો ન હતો. આ પછી પેનલ્ટી શૂટઆઉટ થયું જેમાં પોર્ટુગલે સ્પેનને 5-3થી હરાવ્યું હતું. પોર્ટુગલ જીતતાની સાથે જ રોનાલ્ડો ખુશીથી ભાવુક થઈ ગયો હતો. તે મેદાન પર બેસીને રડવા લાગ્યો હતો.
પહેલા જ્યારે ખેલાડીઓ પેનલ્ટી લઈ રહ્યા હતા, ત્યારે રોનાલ્ડો સતત પ્રાર્થના કરી રહ્યો હતો. તે ખૂબ જ તણાવમાં દેખાતો હતો, પરંતુ સ્પેનિશ ખેલાડી પેનલ્ટી ચૂકી જતાં તે ખુશ થઈ ગયો. પછી જ્યારે પોર્ટુગલે છેલ્લો ગોલ કરીને ટાઇટલ જીત્યું, ત્યારે રોનાલ્ડો ખુશીથી રડવા લાગ્યો. ભારતના ચાહકો પણ તેને વિરાટ કોહલી સાથે જોડીને શેર કરી રહ્યા છે. IPL 2025 ટ્રોફી જીત્યા બાદ વિરાટ પણ સ્ટેડિયમમાં રડવા લાગ્યો હતો.