નવી દિલ્હી: દિલ્હી કેપિટલ્સે શુક્રવારે અહીં રમાનારા સેમિફાઇનલ સમાન ક્વોલિફાયર-2 મુકાબલામાં ક્ષમતા કરતાં પણ વધારે સારો દેખાવ કરીને ચેન્નઇ સુપર કિંગ્સને હરાવવાના તમામ પ્રયાસ કરશે અને ત્યાર બાદ જ તેના માટે પોતાની પ્રથમ ફાઇનલનો માર્ગ સાફ થશે.

ચેન્નઇની ટીમે દિલ્હીને ચેપોક સ્ટેડિયમ ખાતે 80 રનથી હરાવીને પોઈન્ટ ટેબલમાં બીજું સ્થાન હાંસલ કરવાથી વંચિત રાખી હતી. હવે ફરીથી ક્વોલિફાયર-2માં મહેન્દ્રસિંહ ધોનીની ટીમ તેના માટે અંતરાય બની રહી છે. બુધવારે એલિમિનેટરની અંતિમ ઓવર્સમાં હૈદરાબાદને હરાવ્યા બાદ દિલ્હીનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે.

દિલ્હીની ટીમ અહીંના ગ્રાઉન્ડમાં એક મેચ રમી ચૂકી હોવાથી તે સ્થાનિક પરિસ્થિતિથી માહિતગાર છે. જોકે બીજી તરફ ચેન્નઇની ટીમ આ પ્રકારની મોટી મેચો રમવાનો અનુભવ ધરાવે છે. ચેન્નઈ ત્રણ વખત ચેમ્પિયન બનવા ઉપરાંત ચાર વખત રનર્સ-અપ પણ બની ચૂકી છે.

પ્રદર્શનના મામલે ચેન્નઇ સામે દિલ્હીની ટીમ ફિક્કી પડે છે. આ ટીમે ચેન્નઇ સામે લીગમાં કુલ 20 મુકાબલા રમ્યા છે જેમાં દિલ્હીને માત્ર છ મેચમાં વિજય મળ્યો છે. ચેન્નઇની ટીમે 14 મુકાબલા જીત્યા છે. 2019માં બંને ટીમો વચ્ચે બે મુકાબલા રમાયા હતા અને બંને વખત સુકાની શ્રેયસ ઐય્યરની દિલ્હીની ટીમને પરાજય મળ્યો હતો.