નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનની હાફ સિઝન શરૂ થઇ ગઇ છે. ગઇકાલે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સે શાનદાર રીતે સનરાઇઝર્સ હૈદરાબાદને 8 વિકેટ માત આપીને પૉઇન્ટ ટેબલમાં ટૉપનુ સ્થાન હાંસલ કરી લીધુ છે. આ સાથે જ દિલ્હીનુ પ્લેઓફમાં પહોંચવાનુ લગભગ નક્કી થઇ ગયુ છે. હૈદરાબાદે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ આ નિર્ણય તેના માટે ખરાબ સાબિત થયો, અને મેચમાં હારનો સામનો કરવો પડ્યો. 


ટૉસ જીતીને હૈદરાબાદે ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 134 રન કર્યા હતા. જોકે આ મેચની પહેલી ઈનિંગની જ વાત કરીએ તો સ્ટેન્ડ્સમાં બેઠેલા પોન્ટિંગથી લઈને કોમેન્ટ્રી કરી રહેલા સુનીલ ગાવસ્કર ખેલાડીઓ પર ગુસ્સે થઈ ગયા હતા. એટલું જ નહીં આ મેચમાં અશ્વિન પણ ભાન ભૂલ્યો હતો. આ ગુસ્સો એક કેચને લઇને હતો, જેને કેપ્ટન પંતે છોડ્યો હતો. હૈદરાબાદ સામેની મેચમાં જ્યારે રિષભ પંતે કેન વિલિયમ્સનનો કેચ છોડ્યો હતો ત્યારે તે ઘણો ગુસ્સે થઈ ગયો હતો.


 






મેચની 9મી ઓવરમાં અશ્વિનના છેલ્લા બોલ પર કેન વિલિયમ્સને લૂઝ શોટ મારવા પ્રયત્ન કર્યો, આ દરમિયાન બેટની આઉટ સાઈડ એડ્જ લઈને બોલ વિકેટકીપર પંત પાસે ગયો હતો. પરંતુ પંતે SRHના કેપ્ટન વિલિયમ્સનને સ્ટમ્પ આઉટ કરવાના પ્રયત્નમાં સરળ કેચ ગુમાવી દીધો હતો. આ સરળ કેચ ગુમાવતા જોઇને રવિચંદ્રન અશ્વિન પણ ગુસ્સે થઈ ગયો હતો, એટલુ જ નહીં કૉટ રિકી પોન્ટિંગ પણ પંતની આ હરકતથી ગુસ્સે ભરાઇ ગયો હતો. 






ખાસ વાત છે કે, પંત ઉપરાંત પૃથ્વી શૉએ પણ મેચમાં કેચ ડ્રૉપ કર્યો હતો. અશ્વિનની ઓવરમાં કેચ ડ્રોપ થયાની બીજી જ ઓવરમાં વિલિયમ્સનને બીજુ જીવનદાન મળ્યું. આ ઓવર અક્ષર પટેલની હતી, જેના ચોથા બોલ પર કેને આક્રમક શોટ મારવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ શોટ પ્રોપર કનેક્ટ ન થતા પૃથ્વી શો પાસે કેચ ગયો હતો, જે તેણે ડ્રોપ કર્યો હતો. આ પ્રમાણેનું પ્રદર્શન જોઇને રિકી પોન્ટિંગ પણ ખેલાડીઓ પર સ્ટેન્ડ્સમાં બેઠા-બેઠા ગુસ્સે થયા હતા. જોકે, 9.5 ઓવરમાં એટલે કે કેચ ડ્રોપ થયો એના બીજા જ બોલ પર અક્ષર પટેલે કેન વિલિયમ્સનને પેવેલિયન ભેગો કર્યો હતો.