નવી દિલ્હીઃ વર્લ્ડકપ બાદ ટી-20 ઇન્ટરનેશનલ સીરિઝ રમવા અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ પહોંચેલી ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ સીરિઝની અંતિમ મેચમાં 59 રનની શાનદાર ઇનિંગ રમીને જીતમા મહત્વની  ભૂમિકા નિભાવી હતી. આ મેચમાં 147 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા એક સમયે મુશ્કેલીમાં ફસાઇ હતી પરંતુ કેપ્ટન કોહલી અને ઋષભ પંતે સાથે મળીને ત્રીજી વિકેટ માટે 106 રનની ભાગીદારી કરી ટીમને જીતની નજીક પહોંચાડી હતી. ભારતે આ મેચમાં સાત વિકેટે જીત હાંસલ કરી હતી. ટી-20 સીરિઝમાં 3-0થી જીત બાદ વિરાટ કોહલીએ કહ્યું કે, મને લાગતુ નથી કે મારે બેટથી કાંઇ સાબિત કરવાની જરૂર છે. હું મારી ફરજ નિભાવવા માંગુ છું. હું મારા પરફોર્મ માટે નથી રમતો. વિરાટ કોહલીએ કહ્યું કે, ટીમમાં મારી ભૂમિકા એ હોય છે કે અમે ટીમને જીત તરફ લઇ જઇ. પછી હું 20,30,40,50 અથવા તેનાથી પણ મોટો સ્કોર કરું. હું છેલ્લા 11 વર્ષથી રમી રહ્યો છું જેથી તેમાં મારા માટે કાંઇ નવું નથી અને તેનું દબાણ પણ નથી.